કોરોના સંક્રમણથી સચિવાલય અને સરકારી કચેરીઓને બચાવવા માટે રાજ્ય સરકારે મુલાકાતીઓ તેમજ કર્મચારીઓના આરોગ્યનું ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી ઓફિસમાં હવે સરળતાથી પ્રવેશ નહીં મળે. સચિવાલયના ત્રણેક વિભાગોના કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે નવા સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ, અધિકારીઓનું તેમજ મુલાકાતીઓનું થર્મલ સ્કેનર અને ઇન્ટ્રારેડ ગનથી સ્કેનીંગ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા હોમગાર્ડ્સની સેવાઓ લેવામાં આવશે.
હોમગાર્ડ્સની સેવાઓ સંબંધમાં નાયબ પોલિસ અધીક્ષક (સલામતી) દ્વારા જરૂરી સંકલન રાખીને દરેક બ્લોકના ભોંયતળિયે બે-બે હોમગાર્ડ્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોમગાર્ડ્સ દરેક બ્લોકમાં પ્રવેશ મેળવતાં કર્મચારી કે મુલાકાતીનું થર્મલ સ્કેનર કે ઈન્કારેડ ગનથી ચેકીંગ કરશે. જો તેમને કોઇપણ લક્ષણ જણાય અથવા તો ટેમ્પરેચર વધુ હશે તો તેમના વિભાગના હેડને જાણ કરાશે, જ્યારે મુલાકાતીને પ્રવેશ આપવામાં નહીં આવે.
સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી સંબંધમાં તાવના લક્ષણ જણાય તો તુરંત જ તે સંબંધની એન્ટ્રી ગૃહ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવનાર રજિસ્ટરમાં કરી, કર્મચારી જે વિભાગમાં ફરજ બજાવતો હોય તેના ઉપ સચિવ(મહેકમ) કે નાયબ સચિવ(મહેકમ) ને તેની જાણ કરવાની રહેશે.
આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ હોમ ગાર્ડસને થર્મલ સ્કેનર અને ઈન્કારેડ ગન સંબંધી તાલીમ આપવાની રહેશે. વિભાગે તમામ બ્લોક માટે આવી 50 થર્મલ સ્કેનિગ ઇન્ફરેટ ગન ગૃહવિભાગને પુરી પાડવાની રહશે.
એ ઉપરાંત ઓફિસમાં સામાજિક અંતર રાખવા માટેની ધોરણસરની કાર્યપધ્ધતિ ઇસ્યુ કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી દરેક વિભાગના ઉપસચિવ કે નાયબ સચિવ (મહેકમ) અને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરી તેની જાણ ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ અને સામાન્ય વહીવટી વિભાગને કરવાની રહેશે.
વિભાગોમાં નિયુક્ત થયેલા નોડલ અધિકારીઓએ પોતાના વિભાગને ચેપ રહિત બનાવવા સંબંધે તમામ કર્મચારી કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક કે ફેસ કવર પહેરે તે અંગે તેમજ પ્રવેશ તથા નિર્ગમનના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારમાં સેનેટાઈઝર સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. ઉપરાંત ધોરણસરની કાર્યપધ્ધતિ અનુસાર અમલવારી થાય તે જોવાની જવાબદારી તેની રહેશે.