અમદાવાદઃ ચાલુ સપ્તાહે સોના-ચાંદી માટે ઘણો સારો સપ્તાહ સાબિત થયો છે. વૈશ્વિક બુલિયન બજારમાં આવેલી તેજીની પાછળ ઘરઆંગણે પણ બંને કિંમતી ધાતુઓના ભાવ નોંધપાત્ર વધ્યા છે. આથી સોના-ચાંદીના રોકાણકારો કમાયા છે તો સામે ખરીદી કરવાનું વિચારણા લોકોએ વધારે રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.
આજે 19મી ડિસેમ્બર 2020, શનિવારના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં સોનાનો ભાવ 51,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સ્તરે સ્થિર રહ્યો હતો. જ્યારે તેની અગાઉ સતત ચાર દિવસ સુધી ભાવ વધ્યો છે. સોનાની પાછળ ચાંદીના ભાવ પણ ઉછળ્યા છે. આજે ચાંદીનો ભાવ 500 રૂપિયા વધ્યો હતો અને 1 કિગ્રાનો ભાવ 67,000 રૂપિયાને સ્પર્શી ગયા હતા આમ ચાલુ સપ્તાહ દરમિયાન સોના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 800 રૂપિયાની તેજી જોવા મળી છે. તો ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિગ્રા દીઠ 4000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.
વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ વધ્યા છે. જેમાં એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચરનો ભાવ 2 ટકા વધ્યો છે.
નોંધનિય છે કે, છેલ્લા ઘણા દિવસથી અમેરિકામાં નવા આર્થિક રાહત પેકેજ જાહેર થવાની અટકળો વચ્ચે વૈશ્વિક બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં છેલ્લે સોનાનો ભાવ 1882 ડોલર અને ચાંદીનો ભાવ 25.84 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રહ્યો હતો.