કોરોના સંક્રમણના છ મહિનામાં ગુજરાતમાં લાખો યુવાનોએ તેમની નોકરી ખોઇ છે. આ સાથે અસંખ્ય વ્યાપારીઓના વ્યવસાય ચોપટ થઇ ગયા છે. રાજ્યમાં એકપણ સેક્ટર એવું નથી જ્યાં રોજગારી ઓછી થઇ ન હોય. ગુજરાતને રોજગારીના દરમાં વધારો કરવો હોય તો સરકારે યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન કરવું પડશે.
કેન્દ્ર સરકારની વિનંતી હતી કે કોઇપણ પ્રાઇવેટ કંપની તેના કર્મચારીઓને છૂટા ન કરે અથવા તો પગાર કાપે નહીં પરંતુ કંપનીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને છૂટા કર્યા છે, એટલું જ નહીં તેમના 50 ટકા સુધીના પગાર કાપી લીધાં છે.
જુલાઇ અને સપ્ટેમ્બરના પ્રાપ્ત થયેલા ડેટા પ્રમાણે ભારતના છ રાજ્યો એવાં છે કે જ્યાં બેકારીનો દર રોકેટ ગતિએ વધ્યો છે. દેશમાં બેકારીનો દર અગાઉના ત્રિમાસિક ગાળામાં 9.8 ટકાની તુલનાએ ઘટીને 8.4 ટકા થયો છે. આ સમયગાળા દરમ્યાન શહેરી વિસ્તારોના લેબર ફોર્સ સર્વે પ્રમાણે ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બેકારી દર વિક્રમી સપાટીએ વધ્યો છે.
સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં બેકારી દરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. નીચલા બેઝ ઇફેક્ટના કારણે બેકારી દર 1.3 ટકા થી વધીને 4.3 ટકા થયો છે. કેરળનો ક્રમ બીજો આવે છે. આંધ્રપ્રદેશ અને હરિયાણામાં પણ બેકારી દર વધ્યો છે. બેકારી દર વધવા પાછળનું મુખ્ય કારણ કોરોના સંક્રમણ કહી શકાય છે. રાજ્યના રોજગાર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સરકારના રોજગારીના આંકડાને મોટી અસર થઇ છે.
આ અધિકારીને પૂછવામાં આવ્યું કે માર્ચ થી સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન કેટલા લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર પાસે એવો કોઇ ચોક્કસ આંકડો નથી પરંતુ વિવિધ એજન્સીઓ સર્વેક્ષણ કરી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં 10 લાખ કરતાં વધુ લોકોને કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે નોકરીમાં અસર થઇ છે.