તમારે સસ્તાં મકાન લેવા હોય તો બાકીના રૂપિયા ભરી જાવ તેવો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે આદેશ કર્યો છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે સરકારે શહેરી વિસ્તારમાં બનાવેલા એફોર્ડેબલ આવાસોના ડ્રો થયા પછી ગુડાએ નોટીસો આપવાની શરૂ કરી છે
લોકડાઉનના કારણે લોકોની નોકરીઓ ગઇ છે. કોરોના સંક્રમણમાં આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા કઠીન બન્યાં છે ત્યારે ગુડાના વહીવટી તંત્રએ ડ્રો થયા પછી આવાસના લાભાર્થીઓને નોટીસો આપવાનું શરૂ કર્યું છે. નાના અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી શકે તે માટે સરકાર દ્વારા જે ડ્રો સીસ્ટમ થકી આવાસની ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત શહેરમાં વસવાટ કરતાં અનેક પરિવારોને ગુડા દ્વારા બનાવેલી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યા છે.
ડ્રો થયાં બાજ જેમની પાસે સુવિધા હતા તેમણે બાકીના રૂપિયા ચૂકવી દીધા છે પરંતુ જેમની પાસે સગવડ નથી તેમની બાકી રકમ હોવાથી ગુડાએ નોટીસો ફટકારી છે. સરકાર એવું માને છે કે કોરોના સંક્રમણ ગયું અને લોકો એક જ મહિનામાં સદ્ધર થઇ ગયા છે.
ગાંધીનગના કુડાસણમાં આવેલી એમઆઇજી-1ની આવાસ યોજનાના જે મકાન ધારાકોએ રૂપિયા ભર્યા નથી તેમને ગુડા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પંદર દિવસમાં 12 ટકા વ્યાજ સાથે બાકીની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરીને ફાળવેલા આવાસની ફાળવણી કરવામાં નહીં આવે.
રાજ્ય સરકારના વિવિધ ટેક્સના માળખામાં મુદ્દતો વધારી આપવામાં આવી છે પરંતુ ડ્રો થયા પછી આવાસ યોજનામાં લાભાર્થીઓને રૂપિયા ભેગા કરવાનો કોઇ સમય આપવામાં આવ્યો નથી. ગુડાના અધિકારીએ કહ્યું હતું કે અમે નિયમ પ્રમાણે નોટીસ આપી છે. બાકીના રૂપિયા કોઇ લાભાર્થી ભરી ન શકે તો તેમને આવાસની ફાળવણી કરવામાં નહીં આવે, કારણ કે આ ડ્રો સિસ્ટમથી લાગેલા આવાસ છે. સરકારનો આદેશ હોવાથી અમે મુદ્દતમાં વધારો કરી શકતા નથી.