મુંબઇઃ જે લોકો ઉંચા ભાવને લીધે સોનું – ચાંદી ખરીદી શક્યા ન હતા તેમના માટે ફરી સસ્તુ સોનું ખરીદવાની એક ઉત્તમ તક આવી છે. લોકોને ફરીવાર નીચા ભાવે સોના-ચાંદી ખરીદવાનો મોકો મળ્યો છે. આજે બુધવારે સ્થાનિક બજારોમાં સોનાની કિંમત છેલ્લા 11 મહિનામાં પ્રથમવાર ઘટીને 46,000 રૂપિયાની મહત્વપૂર્ણ સપાટીની નીચે ઉતરી ગઇ છે.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 400 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 45,800 રૂપિયા થઇ હતી. જે મે-2020 પછીનો સૌથી નીચો ભાવ છે. તેવી જ રીતે સોનાની પાછળ – પાછળ ચાંદીના ભાવ પણ સતત ઘટી રહ્યા છે. આજે ચાંદીમાં 1300 રૂપિયાનો કડાકો બોલાતા પ્રતિ એક કિગ્રાની કિંમત 64,500 રૂપિયા થઇ હતી.
તેવી જ રીતે દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 49 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 43,925 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમત 331 રૂપિયા ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 62,441 રૂપિયા થઇ હતી.
અમેરિકાના બજારમાં 10 વર્ષીય બોન્ડની યીલ્ડમાં વૃદ્ધિ અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાથી વૈશ્વિક બજારમાં સોના-ચાંદી પર દબાણ આવતા બંને કિંમતી ધાતુઓના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલરની નીચે રહ્યુ અને 26 ડોલર ઘટીને 1687 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી સાધારણ ઘટીને 24.10 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.