નવી દિલ્હીઃ લોકોને ફરી એકવાર સસ્તા ભાવે સોના-ચાંદી ખરીદવાનો મોકો મળી રહ્યો છે. દિલ્હીના ઝવેરી બજારમાં મંગળવારે સોનું 176 રૂપિયાના ઘટાડા સાથે 45,110 રૂપિયા 10 ગ્રામ પર બંધ થયુ. તો ચાંદીની પણ કિંમત 898 રૂપિયા ગગડીને 61,715 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ છે. આમ હાલ સોનું ઓગસ્ટ 2020માં બનેલી ઉંચી સપાટીથી લગભગ 12000 રૂપિયા જેટલુ નીચા ભાવે મળી રહ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના લીધે ગત વર્ષ 2020 દરમિયાન સોના-ચાંદીની કિંમતો સતત વધીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ હતી જેમાં સોનાની કિંમત ઓગસ્ટ-2020ના મહિનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 56,200 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 76,000 રૂપિયાના રેકોર્ડ ઓલ-ટાઇમ લેવલને સ્પર્શી ગઇ હતી. નોંધનિય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ગત વર્ષ 2020માં 6 ઓગસ્ટના રોજ ઓલટાઇમ હાઇ 2067 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી પહેલી સપ્ટેમ્બરે 28.88 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રેકોર્ડ ઓલટાઇમ થયા હતા.
બુલિયન એનાલિસ્ટોનું કહેવુ છે કે, વૈશ્વિક બજારમાં છેલ્લા ઘણા દિવસથી સોના-ચાંદીના ભાવ સતત ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયા છે જેનું કારણ ડોલરની મજબૂતી અને યુએસ ફેડરેલ બેન્ક દ્વારા વહેલી ઇઝ-મી પોલિસીનું ટેપરિંગની આશંકા છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સાધારણ ઘટાડે 1730 ડોલર અને ચાંદી 23.40 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.