ગુજરાતના રાજકીય સેન્ટર સ્વર્ણિમ સંકુલમાં સોંપો પડી ગયો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવી રહ્યો છે. માસ્ક નહીં પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરતાં કોરોનાએ રાજનેતાઓને ભરડામાં લીધા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20 જેટલા નેતાઓને કોરોનાએ ક્વોરન્ટાઇન થવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પાડી છે.
સામાન્ય જનતા કે કે આરોગ્યના પગલાંનું પાલન કરતી નથી તેમને કોરોના પોઝિટીવ આવે છે પરંતુ હવે તો રાજનેતાઓ પણ આરોગ્ય વિષયમાં બેદરકાર રહેતાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓએ તો તેમની ચેમ્બરો શિલ્ડ કરી છે પરંતુ મંત્રીઓની ચેમ્બરો ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ માટે ખુલ્લી હોવાથી કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રાજકીય રેલીઓ પણ જોખમી બની છે તેમ હવે તો સ્વર્ણિમ સંકુલ પણ જોખમી બનતું જાય છે. રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કોરોના પોઝિટીવ આવ્યા પછી સ્વર્ણિમની બન્ને ઇમારતોને સેનેટાઇઝ કરી દેવામાં આવી છે અને મુલાકાતીઓના પ્રવેશને વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે. થર્મલ ટેસ્ટીંગ અને સેનેટાઇઝની સુવિધા વધારી દેવામાં આવી છે.
આરોગ્યના સૂત્રોએ કહ્યું હતું કે એક જ દિવસમાં ભાજપના છ રાજનેતાઓને કોરોના પોઝિટીવ આવ્યો છે. ભાજપમાં રાજકીય રેલીઓની શરૂઆત થઇ છે તેથી સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ કોરોનાની ઝપટમાં આવી રહ્યાં છે. હવે પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાં જવાના હોવાથી આ વિસ્તારમાં પણ કોરોના ફેલાવાની દહેશત શરૂ થઇ છે. આ રેલીઓમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી. કાર્યકરો માસ્ક મોંઢાથી નીચે ઉતારીને રેલીમાં ભાગ લેતા હોય છે તેથી જોખમ વધતું જાય છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 20 ધારાસભ્યો સાથે તેમના પરિવારના સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યો છે જેમાં એક પૂર્વ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સપડાયા છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાની સારવાર પછી બહાર આવ્યા છે. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમની જેમ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય હર્ષ સંધવી, સુરેન્દ્રનગર ભાજપના મહામંત્રી જગદીષ મકવાણા, યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદીપ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ અને અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. ભાજપના મહિલા ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ કોરોનાગ્રસ્ત છે.
ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વીડી ઝાલાવાડિયા, પૂર્ણેશ મોદી અને રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરને કોરોના પોઝિટીવ થયો હતો પરંતુ સારવાર બાદ આ નેતાઓ સ્વસ્થ થયાં છે.
કોંગ્રેસના સી.જે.ચાવડા, ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ કોરોનાને માત આપી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી હજી પરણ હાલ સારવાર હેઠળ છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષદ રિબડીયા ઉપરાંત તેમના પરિવારના તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.