ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ગુરૂવારે દૈનિક કેસની સંખ્યા 161 સુધી પહોંચી ચૂકી છે અને રાજ્યના આરોગ્ય વિભાગનો અંદાજ છે કે આવતા સપ્તાહ સુધીમાં દૈનિક કેસની સંખ્યા 1000ના આંકડાને ક્રોસ કરી શકે છે ત્યારે સરકારે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના નિયમોને વધારે કડક બનાવે તેવી સંભાવના છે.
રાજ્યમાં અમદાવાદ પછી સુરત અને વડોદરામાં રોકેટ ગતિએ કેસ વધતાં જાય છે ત્યારે આરોગ્ય અને પોલીસ વિભાગને વધુ સાવચેત રહેવા મુખ્યમંત્રી કક્ષાએ આદેશ કરવામાં આવ્યા છે. ગુરૂવારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 39280 સુધી પહોંચી છે. સુરતમાં તો એક જ દિવસમાં 307 કેસો નોંધાયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઇને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં એવું નક્કી થયું છે કે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન જ્યાં થતું ન હોય ત્યાં ઉદ્યોગ-ધંધા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવામાં આવે તેમજ પ્રત્યેક નાગરિક જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે તેના મોઢા પર માસ્ક કે રૂમાલ અવશ્ય હોવો જોઇએ. અમદાવાદમાં બેન્કની એક શાખાને તાળાં મારી દેવામાં આવ્યા છે, કારણ કે આ બેન્કે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યું ન હતું. તેમ હવે બીજા વ્યવસાય અને દુકાનો પર પોલીસની વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી માત્ર 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. દેશના કેરાલામાં તો માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને ભારે દંડ ચૂકવવો પડે છે અને જો તે વ્યક્તિ બીજી વખત પકડાય તો તેને જેલની સજાની જોગવાઇ છે. ગુજરાતમાં પણ માસ્કના દંડની રકમ વધારવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિએ હવે 500 કે 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે, જ્યારે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરનારા દુકાનધારકને દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઓછા નહીં થાય તો સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફરજીયાત માસ્ક માટે પોલીસ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કડક પગલાં લેવાની સૂચના આપી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એવો ઇશારો કર્યો છે કે લોકોએ બહાર નિકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવો જોઇએ તેમજ ખરીદી કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જોઇએ.