રાજનીતિમાં ક્યારેય કોઇ પાર્ટીને બીજી પાર્ટી વિના ચાલતું નથી તેવું ફરી એકવાર ગુજરાતમાં સાબિત થયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હોદ્દો સંભાળ્યા પછી કહ્યું હતું કે હવે પછીની ચૂંટણીઓ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવ્યા વિના લડીશું. ભાજપ તેના કાર્યકરોની તાકાત પર લડશે. તેમના આ નિર્ણયનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે અને વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોને ભાજપમાંપ્રવેશ અપાવી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે પણ આયારામ ગયારામ મોજૂદ હતા અને આજે પણ મોજૂદ છે. રાજનીતિમાં આવું તો ચાલ્યા કરે છે પરંતુ જે જુસ્સાથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું હતું કે ભાજપને કોંગ્રેસના નેતાઓની જરૂર નથી. હવે કોઇપણ કોંગ્રેસી ભાજપમાં આવશે નહીં પરંતુ તેમનું આ વિધાન ખોટું પડી રહ્યું છે.
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી કોંગ્રેસ કરતાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે તેથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવવાની ફરી એકવાર શરૂઆત થઇ ચૂકી છે. કોંગ્રેસ વેચાઉ પાર્ટી છે તેવું લેબલ પાર્ટીના માથે કાયમી લાગી ગયું છે. ડાંગ કોંગ્રેસના મજબૂત નેતા મંગળ ગાવિત ભાજપમાં જોડાયા છે. હવે મોરબી પાલિકાના પ્રમુખ સહિત આઠ કાઉન્સિલરો ભાજપમાં જોડાઇ ગયા છે.
ભાજપને જે બેઠકો જીતવામાં કઠીનાઇ પડી રહી છે તે બેઠકો પર કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મજબૂત નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. યોગાનુયોગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં પ્રવેશ થાય છે. હજી પણ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સુધરતા નથી અને તેમના સાથીદારોને બચાવી શકતા નથી.
બીજી તરફ તીખાં પ્રવચનો કરીને સીઆર પાટીલ ઠંડા થઇ ગયા છે. તેમના બોલેલા વચનોથી વિપરિત પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ કરાવી રહ્યાં છે. સીઆર પાટીલના નિર્ણય છતાં ભાજપે કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકીટ આપી છે.એટલું જ નહીં આઠ વિધાનસભા વિસ્તારોમાં કોંગ્રેસના મોટાગજાના નેતાઓને પ્રલોભનો આપીને ભાજપમાં લેવાઇ રહ્યાં છે છતાં પ્રદેશ પ્રમુખ મૌન છે. ભાજપની આ બલિહારી છે કે મજબૂરી તે પાર્ટીના કાર્યકરોને સમજાતું નથી.