ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ટીમ ગુજરાતમાં કોણ હશે અને કોણ કપાશે તેની અટકળો તેજ બની છે પરંતુ પાટીલના વિશ્વાસુ સાથીએ કહ્યું છે કે ચૂંટણી અને પાર્ટીમાં મજબૂત કામગીરી હશે તેમને અચૂક સ્થાન મળશે. હાલ પુરોગામી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બનાવેલા માળખાને વિખેરીની પ્રદેશ હોદ્દેદારોની નવી ટીમ બનશે. આ ટીમમાં સ્થાનિક ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીને વધારે મહત્વ આપવામાં આવશે.
ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં જે સિનિયર નેતાઓ છે તેમાં અણધાર્યા ફેરફાર થાય તેવા સંકેત છે. સીઆર પાટીલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ છે તેથી નવી ટીમમાં નરેન્દ્ર મોદીના વફાદાર નેતાઓને સ્થાન મળે તેવી સંભાવના છે. નવી ટીમની રચના કર્યા પૂર્વે સીઆર પાટીલ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા.
સીઆર પાટીલે તેમનો હોદ્દો સંભાળી લીધો છે તેથી હવે ટૂંક સમયમાં ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે. હાલના માળખામાં કેટલાક નેતાઓને પડતા મૂકાશે જ્યારે નવા ચહેરાને સ્થાન મળશે. પાર્ટીમાં હાલ જે હોદ્દા છે તેમાં ચાર મહામંત્રી, 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષ છે. ગુજરાતના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેઓ જૈન સમાજનું નેતૃત્વ કરે છે, જ્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મરાઠી છે તેથી ભાજપના સંગઠનમાં પટેલ, ઓબીસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, એસટી અને એસસી સમાજને વધારે મહત્વ આપવામાં આવી શકે તેમ છે.
બીજી તરફ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના છે અને પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતના છે તેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી પણ કેટલાક સિનિયર નેતાઓની ટીમમાં પસંદગી થાય તેવા સંકેત છે. ખુદ સીઆર પાટીલે એવો સંદેશો આપ્યો હતો કે તેઓ ભાજપના સંગઠનમાં જેમને બદલવાના છે તેમને બીજી જગ્યાએ સ્થાન અપાશે. પ્રદેશ ભાજપના મહામંત્રીમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
અત્યારે પ્રદેશ ટીમમાં ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, કેસી પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ છે તેમના સ્થાને ગોરધન ઝડફિયા, રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યા, પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર અને પૂર્ણેશ મોદી જેવા નેતાઓને સ્થાન મળે તેવી સંભાવના છે. આ સાથે સરકારમાં બોર્ડ-કોર્પોરેશનમાં પોલિટીકલ નિયુક્તિ થવાના ચાન્સ પણ વધી ગયા છે.