વી દિલ્હીઃ ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના ભાવમાં આજે બુધવારે ઝડપી ઉછાળો જોવા મળ્યો છે અને તાજેતરમાં જેમણે નીચા ભાવ ખરીદી નથી કરી તેમના હાથમાંથી સસ્તુ સોના-ચાંદી ખરીદવાની તક જતી રહી છે.
આજે બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ આજે 675 રૂપિયા વધીને 48,169 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેવી જ રીતે ચાંદીમાં પણ આજે 1280 રૂપિયાનો ઝડપી ઉછાળો નોંધાયો છે અને પ્રતિ એક કિગ્રા ચાંદીનો ભાવ 61,216 રૂપિયા થયો હતો.
કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવમાં આજે આવેલા ઝડપી ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક બુલિયન બજારમાં તેના ભાવમાં આવેલી તેજી છે. વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ ઉછળીને અનુક્રમે 1800 ડોલર અને 23 ડોલરની મહત્વપૂર્ણ સપાટીને ઉપર જતા રહ્યા છે જે છેલ્લા પાંચ-છ દિવસથી ઉપરની સપાટીની નીચે બોલાઇ રહ્યા હતા. આમ વૈશ્વિકબજારમાં આવેલી તેજીના પગલે જ ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના ભાવ વધ્યા છે. જેમાં આજે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાનો ભાવ 39 ડોલર વધીને 1815 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતુ. તો ચાંદીનો વૈશ્વિક ભાવ પણ 1.4 ડોલર વધીને 23.98 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતો હતો.
ભારતના અન્ય બુલિયન બજારોની વાત કરીયે તો ગુજરાતના અમદાવાદ ઝવેરી બજારમાં આજે બુધવારે સોનાના ભાવ 800 રૂપિયા ઉછળીને પ્રતિ 10 ગ્રામ દીઠ 50,800 રૂપિયા થયો હતો વધ્યા હતા. તો ચાંદીમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો અને 1 કિગ્રા દીઠ ચાંદીનો ભાવ 63,500 રૂપિયા થયો હતો. સોના-ચાંદીના ભાવ ફરી વધતા રિટેલ ઘરાકી ઘટવાની શક્યતા છે.