નવી દિલ્હીઃ વૈશ્વિક તેજીની હૂંફે ભારતમાં સતત વધી રહેલા સોના-ચાંદીના ભાવ આજે અટક્યા હતા આ સાથે છેલ્લા ત્રણથી ચાલી રહેલી તેજીની ચાલીને આજે બ્રેક લાગી હતી. દિલ્હીના ઝવેરી બજારમાં આજે શુક્રવારે સોનાનો ભાવ 136 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ 48,813 રૂપિયા થયો હતો. સોનાની પાછળ આજે ચાંદી પણ નરમ પડી હતી. આજે ચાંદીનો ભાવ 346 રૂપિયા ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 63,343 રૂપિયા થયો હતો.
ઉલ્લેખનિય છે કે, વિતેલા ત્રણ દિવસમાં ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ પાંચ મહિનાની નીચી સપાટીથી લગભગ 1500 રૂપિયા જેટલા વધી ગયા હતા. જેમાં આજે ફરી પીછહેઠ જોવા મળી હતી.
આજે શુક્રવારે અમદાવાદ ઝવેરી સોનાના ભાવ 200 રૂપિયા ઘટીને 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જો કે સોનાની નરમાઇ સામે ચાંદીના ભાવ મકકમ રહ્યા હતા. આજે ચાંદીના ભાવમાં તેજી રહી હતી અને 500 રૂપિયા ઉછાળીને પ્રતિ એક કિગ્રા દીઠ 64,000 રૂપિયા થઇ હતી.
આજે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાનો ભાવ 10.5 ડોલર વધીને 1842.3 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી પણ 24.15 ડોલર પ્રતિ ટ્રોય ઔંસે થયા હતા.
આજે વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવ ભાવ વધ્યા હતા જો કે ફોરેન માર્કેટમાં અમેરિકન ડોલર નબળો પડવો અને રૂપિયાનું મૂલ્ય વધતા ભારતીય બજારોમાં ત્રણ દિવસ બાદ સોનાના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. બુલિયન બજારના જાણકારોનું કહેવુ છે કે, ડોલર સામે રૂપિયો મજબૂત થતા આજે સોનાના ભાવ વધ્યા છે. અલબત્ત વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં તેજીનું મુખ્ય કારણ અમેરિકા અને યુરોપિયન યુનિયન ખાતે ટુંક સયમાં નવુ આર્થિક રાહત પેકેજ જાહેર થવાનો આશાવાદ છે.