નવી દિલ્હીઃ નબળાં વૈશ્વિક સંકેતોને પગલે ઝવેરી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 460 રૂપિયા ઘટ્યો અને ચાંદી પણ 629 રૂપિયા તૂટી હતી. આજના આ ઘટાડાને પગલે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 48,371 રૂપિયા થયો હતો અને ચાંદીનો ભાવ પણ ઘટીને 62,098 રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ આજે પણ સુસ્ત હતા. સોનાનો ભાવ 1836 ડોલર અને ચાંદી 23.92 ડોલર પ્રતિ ટ્રોય ઔંસના સ્તરે લગભગ સ્થિર હતા.
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલ એ જણાવ્યુ કે, કોરોના વાયરસની મહામારીની સારવાર માટે અસરકારક રસી અંગેના આશાસ્પદ અહેવાલોને પગલે સોના-ચાંદીના ભાવમાં હાલ સેન્ટિમેન્ટ નરમાઇ તરફી છે. વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાના સંકેત અને અમેરિકા-ચીન વચ્ચેનો તણાવ ઘટવાને પગલે રોકાણકારો સોનાને પડતુ મૂકી શેરબજાર તરફ ફંટાયા છે અને તેને પગલે હાલ શોર્ટ-ટર્મ માટે સોનામાં સુધારાની કોઇ શક્યતા દેખાતી નથી. અલબત્ત લાંબા સમયગાળા માટે સોનું હજી પણ રોકાણકારો માટે બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે.
ભારતના દેશાવર બુલિનય બજારોની વાત કરીયે તો આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠી 50,000 રૂપિયા અને ચાંદીના ભાવ પણ 300 રૂપિયાના ઘટાડે પ્રતિ 1 કિગ્રા 62,700 રૂપિયા થયા હતા.