નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં પ્રવર્તી રહેલી નરમાઇને પગલે ભારતીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવે ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. જેમાં સોનું 51,000 રૂપિયાની સપાટીની નીચે જતી રહ્યુ છે. આજે શુક્રવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 200 રૂપિયા ઘટીને 50,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. તો સોનાની જેમ ચાંદીના પણ ભાવ ઘટ્યા હતા. આજે ચાંદી પણ 200 રૂપિયા ઘટીને 62,800 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. આમ વિતેલા ત્રણ દિવસમાં અમદાવાદ ખાતે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 500 રૂપિયા અને ચાંદીના ભાવ પ્રતિ 1 કિગ્રા દીઠ 1200 રૂપિયા તૂટ્યા છે.
દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનાનો ભાવ 102 રૂપિયા ઘટીને 48,594 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ નામમાત્ર 16 રૂપિયા ઘટીને 62,734 રૂપિયા થયો હતો. ગઇકાલ ગુરુવારે દિલ્હીમાં સોનાનો ભાવ 48,594 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 62,750 રૂપિયા પ્રતિ કિગ્રા હતો.
તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડા અંગે બુલિયન બજારોના જાણકારોનું કહેવુ છે કે, અમેરિકામાં નવા આર્થિક પ્રોત્સાહક પેકેજની જાહેર થવાની રાહ જોવાઇ રહી છે જે સોના-ચાંદીના ભાવની આગામી દિશા નક્કી કરીશે. વૈશ્વિક બુલિયન બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન પણ સોના-ચાંદીના ભાવમાં કોઇ મોટી વધ-ઘટ જોવા મળી નથી. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત લગભગ 3 ડોલર ઘટીને 1936 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો ચાંદીનો ભાવ મજબૂતી સાથે 23.95 ડોલર પ્રતિ ટ્રોય રહ્યો હતો.