નવી દિલ્હીઃ વૈશ્વિક બુલિયન બજારની તેજીના સહારે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવ સતત ચોથા દિવસે રહ્યા છે. સોના-ચાંદીના ભાવ ફરી વધતા રિટેલ ઘરાકી ઘટવાની પણ દહેશત છે. આજે શુક્રવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 382 રૂપિયા અને ચાંદીનો ભાવ 335 રૂપિયા વધ્યો હતો. આજના સુધારાને પગલે દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ વધીને 50,194 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ વધીને 66,526 રૂપિયા થયો હતો. આ સાથે છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1466 રૂપિયા વધી ગયો છે. તો આ સમયગાળામાં ચાંદી પણ નોંધપાત્ર મોંઘી થઇ છે અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 5206 રૂપિયા વધી ગયો છે.
ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાંક દિવસથી આંતરરાષ્ટ્રીય બુલિયન બજરમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી છે આજે વૈશ્વિક બજારમા 21 ડોલર જેટલુ ઉછળીને 1885 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીનો વૈશ્વિક ભાવ પણ 2.7 ટકા જેટલો વધીને 26 ડોલર પ્રતિટ્રોય ઔંસ ક્વોટ થયો હતો. નિષ્ણાંતોનું કહેવુ છે કે, આર્થિક રાહત પેકેજની અટકળોને પગલે અમેરિકન ડોલરમાં નરમાઇ આવી છે અને તેની અસર સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે.
બુલિયન બજારના જાણકારોનું કહેવુ છે કે, અમેરિકા દ્વારા ટુંક સમયમાં અબજો ડોલરનું નવુ આર્થિક રાહત પેકેજ જાહેર થવાની શક્યતા છે. આથી બુલિયન માર્કેટ હાલ અમેરિકાના રાહત પેકેજ ઉપર બાજ નજર રાખીને બેઠું છે.
ભારતના અન્ય ઝવેરી બજારોની વાત કરીયે તો આજે શુક્રવારે અમદાવાદમાં સોના ભાવ માત્ર 100 રૂપિયા વધીને 51,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ થયા હતા. તો ચાંદીનો ભાવ 66,500 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે સ્થિર હતા.