નવી દિલ્હીઃ સોના-ચાંદીના ભાવમાં ઉંચા સ્તરેથી ફરી ઘટાડો આવ્યો છે. આજે શુક્રવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીની કિંમત 800 રૂપિયા ઘટી અને પ્રતિ એક કિગ્રાની કિંમત 67700 રૂપિયા થઇ હતી. તો દિલ્હીના બુલિયન બજારમાં આજે શુક્રવારે સોનાની કિંમત 97 રૂપિયા વધી અને પ્રતિ 10 ગ્રામ દીઠ કિંમત 46257 રૂપિયા થઇ હતી. જો કે બીજી બાજુ ચાંદીની કિંમત 275 રૂપિયા તૂટી ને પ્રતિ એક કિગ્રાની કિંમત 66528 રૂપિયા થઇ હતી.
ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બુલિયન બજારમાં સુધારો, યુએસ બોન્ડની યીલ્ડમાં નબળાઇ અને ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાથી સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. જેના પગલે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઝડપથી ઉછળીને સવા મહિના બાદ 48000 રૂપિયાની સપાટીને કુદાવી ગયા હતો. તો ચાંદી પણ ઉછળીને 68000 રૂપિયાની સપાટી કુદાવી ગઇ હતી.
બુલિયન બજારના જાણકારોનું કહેવુ છે કે, ડોલરની મજબૂતીની સાથે ઉંચા મથાળે સોનામાં નફાવસૂલી નીકળતા કિંમતી ધાતુના ભાવ નબળા પડ્યા હતા. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1745 ડોલર અને ચંદીની કિંમત 25.15 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.