નવી દિલ્હીઃ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના પગલે આજે ભારતીય બુલિયન બજારોમાં સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે બુધવારે સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં 1185 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો છે. આજના આ ઉછાળાને પગલે દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ વધીને 49,059 રૂપિયા થયો હતો. તો સોનાની તેજી પાછળ પાછળ પગલે ચાંદીમાંનો ભાવ પણ ઉછળીને 64,822 રૂપિયા પ્રતિ કિગ્રા થયા હતા. ગત મંગળવારે સોનાનો ભાવ 48,844 રૂપિયા અને ચાંદીનો ભાવ 63,637 રૂપિયા હતો.
તો અમદાવાદ ઝવેરી માર્કેટમાં આજે સોનાનો ભાવ 400 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 51,400 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 1500 રૂપિયાના ઝડપી ઉછાળામાં 65,000 પ્રતિ કિગ્રાની સપાટીને સ્પર્શી ગયો હતો.
સોના-ચાંદીના બજારના જાણકારોનું કહેવુ છે કે, આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ બે પરિબળો જવાબદાર છે- એક તો વૈશ્વિક બુલિયન બજારમાં સુધારો અને બીજુ ભારત સરકાર દ્વારા સોના અને ચાંદીની ઇમ્પોર્ટ ટેરિફ વેલ્યૂમાં વધારો. આ પરિબળોને પગલે ભારતીય બુલિયન બજારમાં સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવ ઝડપથી ઉછળ્યા છે.
વૈશ્વિક બુલિયન માર્કેટમાં આજે સોનાનો વધીને 26 ડોલર જેટલો વધીને 1854 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદીનો ભાવ સાધારણ સુધારામાં 24.55 ડોલર પ્રતિટ્રોય ઔંસ થયો હતો. ટકાવારીની રીતે સોનામાં દોઢ ટકા અને ચાંદીમાં 2.6 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારત સરકારે સોનાની ઇમ્પોર્ટ ટેરિફ વેલ્યૂ વધારીને 589 ડોલર ડોલર પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનું ટેરિફ વેલ્યૂ વધારીને 769 ડોલર પ્રતિ કિગ્રા નક્કી કરી છે.