નવી દિલ્હીઃ વૈશ્વિક બુલિયન બજારની એકધારા તેજીની પગલે ભારતીય ઝવેરી બજારમાં પણ સતત સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. આજે દિલ્હીના ઝવેરી બુલિયન બજારમાં સોનાના ભાવ 194 રૂપિયા વધ્યા હતા. તો સોનાની તેજી પાછળ ચાંદી પણ ચમકી હતી અને આજે ચાંદીમાં 1184 રૂપિયાનો ઝડપી ઉછાળો નોંધાયો હતો. આજના ઉછાળાને પગલે દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49,455 રૂપિયા થયો હતો, તો ચાંદીનો ભાવ પ્રતિ 10 કિગ્રા દીઠ 66,969 રૂપિયા થયો હતો. આ સાથે વિતેલા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 1084 અને ચાંદીમાં 4871 રૂપિયાનો ઉછાળો નોધાયો છે. ગત બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 49,261 રૂપિયા અને ચાંદીનો ભાવ 65,785 નોંધાયો હતો.
જો દેશના અન્ય બુલિયન બજરોની વાત કરીયે તો અમદાવાદના ઝવેરી બજારમાં પણ આજે ગુરુવારે સોના અને ચાંદી બંનેના ભાવ વધ્યા હતા. જેમાં અમદાવાદ બુલિયન બજારમાં સોનાના ભાવ 300 રૂપિયા વધીને 51,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો સોનાની પાછળ પણ તેજી નોંધપાત્ર ઉછળી હતી. આજે ચાંદીનો ભાવ 1500 રૂપિયાના ઝડપી ઉછાળામાં પ્રતિ 10 કિગ્રા દીઠ 66,500 રૂપિયા થયો હતો.
ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાંક દિવસથી આંતરરાષ્ટ્રીય બુલિયન બજરમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી છે આજે વૈશ્વિક બજારમા 15 ડોલર જેટલુ ઉછળીને 1874 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીનો વૈશ્વિક ભાવ પણ 3 ટકા જેટલો વધીને 25.63 ડોલર પ્રતિટ્રોય ઔંસ ક્વોટ થયો હતો. નિષ્ણાંતોનું કહેવુ છે કે, આર્થિક રાહત પેકેજની અટકળોને પગલે અમેરિકન ડોલરમાં નરમાઇ આવી છે અને તેની અસર સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે.