અમદાવાદઃ વૈશ્વિક બુલિયન બજારની હૂંફે સ્થાનિક બજારમાં પણ સોનું એક મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યુ છે. અમદાવાદના બુલિયન બજારમાં ગુરુવારે સોનાની કિંમત 275 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ દીઠ 50,000 રૂપિયાની સપાટીને સ્પર્શી છે, જે 16 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. સોના માટે 50,000 રૂપિયાની સપાટી મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક લેવલ છે. ચાંદીની વાત કરીયે તો આજે 700 રૂપિયા વધી અને પ્રતિ 1 કિગ્રા દીઠ 71,000 રૂપિયા થઇ હતી.
દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 177 રૂપિયા વધીને 47,443 રૂપિયા થઇ હતી. તો ચાંદી માત્ર 83 રૂપિયા સુધરીને પ્રતિ એક કિગ્રા દીઠ કિંમત 68,277 રૂપિયા થઇ હતી. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતો મજબૂત છે.
આજે વૈશ્વિક બજારમાં સોનું 1825 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ જે 16 જૂન પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી 26.23 ડોલર પ્રતિ ટ્રોયના સ્તરે મક્કમ રહી હતી. પ્લેટિનમ 0.8 ટકા વધીને 1141 ડોલરની ઉંચી સપાટીને સ્પર્શ્યુ હતુ. જો કે પેલેડિયમની કિંમત લગભગ એક ટકા ઘટીને 2801 ડોલર થઇ હતી.
યુએસ ફેડરલ બેન્કના ચેરપર્સને કહ્યુ કે, અમેરિકાના જોબ માર્કેટમાં સ્થિતિ હજી પણ ચિંતાજનક છે, આથી સમર્થનને ઘટાડતા પહેલા મધ્યસ્થ બેન્કે દેશની અર્થવ્યવસ્થાને જોવાની જરૂરી છે અને ફુગાવો ટૂંક સમયમાં ઘટી શકે છે. સમર્થનમાં કાપ મૂકવાની કોઇ વિચારણ નથી અને ફેડરલ બેન્ક તેની બોન્ડ ખરીદી ચાલુ રાખશે. બજારમાં વધુ તરલતા જોવા મળશે જે સોનાના ભાવને ટેકો આપશે.