ગુજરાતમાં સ્કૂલો બંધ હોવાથી બેકાર થયેલા સ્કૂલ વર્ધીના સંચાલકો અને વાહનચાલકોએ સરકાર પાસે આર્થિક સહાયની માગણી કરી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે સ્કૂલ વર્ધી સંચાલકોની હાલત કફોડી બની છે. હજી પણ સ્કૂલો શરૂ થાય તેવા કોઇ ઠેકાણાં નથી ત્યારે હવે પરિવારનું ભરણપોષણ થઇ શકતું ન હોવાની દલીલ તેઓ કરી રહ્યાં છે.
કોરોના સંક્રમણનો ભોગ સ્કૂલના બાળકો બન્યાં છે અને સ્કૂલ સંચાલકો પણ બન્યાં છે. જો કે તેનાથી વધારે ખરાબ હાલત બાળકોને સ્કૂલમાં લઇ જતા અને ઘરે પાછા મૂકી જતાં સ્કૂલ વર્ધીના વાહનચાલકો અને સંચાલકોની થઇ છે. એક તરફ ટ્યુશન ક્લાસ બંધ પડ્યાં છે. સ્કૂલો બંધ છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહનોની સ્થિતિ વધારે નાજૂક બની છે. કેટલીક સ્કૂલ રિક્ષાઓના સંચાલકોએ બાળકોની બેસવાની વ્યવસ્થા દૂર કરી સામાન્ય મુસાફરો લેવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન તરફથી રાજ્ય સરકારને આર્થિક સહાય માટે માગણી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખી આ સહાયની માગણી કરવામાં આવી છે. એસોસિયેશનના હોદ્દેદારોએ સરકારમાં મળવા માટેનો સમય પણ માગ્યો છે.
એસોસિયેશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા રિક્ષા અને વાનચાલકોને દર મહિને 5000 રૂપિયાની મદદ કરવા માટે સરકારને કહેવાયું છે. રાજ્ય સરકાર અથવા તો સ્કૂલ સંચાલકો તેમને સહાય કરે તેવી અમારી માગણી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે અમને જે આર્થિક મદદ કરશે તેમને અમે લીધેલા રૂપિયાની ચૂકવણી કરવા પણ તૈયાર છીએ.
ચોંકાવનારી બાબત એવી છે કે જે સંચાલકોએ બેન્ક લોન લઇને સ્કૂલ રિક્ષા કે વાન વસાવી છે તેઓ હપ્તા ભરી શકતા નથી તેથી તેમના વાહનો વેચવા કાઢ્યાં છે. એસોસિયેશને કહ્યું છે કે અમદાવાદમાં 15000 અને આખા રાજ્યમાં 80,000 જેટલી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન વર્ધી સાથે જોડાયેલી છે. કોરોનાના કપરાં સમયમાં આ વાહનચાલકોની હાલત સ્કૂલો બંધ હોવાથી દયાજનક બની ચૂકી છે તેથી એસોસિયેશને સરકારમાં રજૂઆત કરી છે.