કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોટી સબસિડી આપવાની ઘોષણા કરી છે. સરકાર દ્વારા સ્પેશિયાલિટી સ્ટીલ માટે 6322 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પી.એલ.આઇ.) યોજનાને મંજૂરી આપી છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે વર્ણવતા કેન્દ્રીય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે આ માહિતી આપી. તેમણે કહ્યું કે પી.એલ.આઈ. યોજના હેઠળ સ્પેશીયાલીટી સ્ટીલ લાવીને મેન્યુફેક્ચરિંગને વેગ મળશે, આયાત પર ભારતનું અવલંબન ઓછું થશે અને 5 લાખ 25 હજાર રોજગારની તકો ઉભી થશે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં કુલ 39 હજાર કરોડનું રોકાણ પણ આવશે.
પીએલઆઈ યોજના વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એક પણ કંપની જૂથને એક વર્ષમાં 200 કરોડ રૂપિયાથી વધુનું પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આ ડિમાન્ડ-ડ્રાઇવ સ્કીમ છે, એટલે કે જે વિસ્તારોમાં આ સ્ટીલની માંગ હતી, તેના આધારે તેને મંજૂરી આપવામાં આવી છે. આનાથી દેશની જરૂરિયાત પૂરી થશે. તેમણે કહ્યું કે આવતા પાંચ વર્ષમાં 2.5 લાખ કરોડનું ઉત્પાદન થશે. આ સાથે, તેની જરૂરિયાતોને જ પૂર્ણ કરવામાં આવશે, પરંતુ ભારતની નિકાસ પણ શરૂ થશે.
આ નિર્ણય બાદ હવે જે કંપનીઓ સ્પેશિયાલિટી સ્ટીલનું ઉત્પાદન કરશે તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત મહત્તમ ઉત્પાદન માટે કંપનીઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકાર આ કામ પર લગભગ 6300 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
સ્પેશિયાલિટી સ્ટીલ માટે પી.એલ.આઇ. આપવાની પાછળનો મુખ્ય હેતુ સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવું અને આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે. આ યોજનાનો લાભ આપવા માટે, સ્પેશીયાલીટી સ્ટીલની 5 કેટેગરીઓ અને 20 પેટા વર્ગોની રચના કરવામાં આવી છે. પ્રોત્સાહન 2 થી 4 ટકા અને કેટલાક કેસોમાં 6 ટકા સુધી આપવામાં આવશે.