ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા એક લાખ કરતાં વધી ગઇ છે ત્યારે હવે તમને કે તમારી પડોશમાં ક્યારે કોને કોરોના પોઝિટીવ આવી જાય તે કહી શકાય તેમ નથી. ઝડપથી પ્રસરતો જતો વાયરસ હવે ડર ઓછો અને સાવચેતી વધારે રખાવે છે. માસ્ક પહેર્યું હોય છતાં કોરોના થયાના દાખલા પણ હવે તો જોવા મળે છે.
રાજ્યમાં પહેલા સામાન્ય જનતાને, ત્યારબાદ દુકાનદારો, બિઝનેસ હાઉસના કર્મચારી, સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને રાજકીય નેતાઓને ચેપ લગાડ્યો છે તે કોરોના હવે સાધુ સંતોને પણ થવા લાગ્યો છે. શિસ્તના આગ્રહી એવા સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસના હેડ ક્વાર્ટરમાં કોરોના પ્રવેશી ચૂક્યો છે.
શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં સાધુ અને સંતોનો નિવાસ છે. આ જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી ટેસ્ટીંગની કાર્યવાહી ચાલી રહી છે. શાહીબાગ સ્થિત આ મંદિર બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક છે. આ જગ્યાએ 150 સંતોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી 28 સંતો અને કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો છે.
જે સંતો તેમજ કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો છે તેમની સારવાર ચાલી રહી છે. કેટલાકને કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અમદાવાદમાં બિઝનેસ હાઉસ અને વિવિધ સંસ્થાઓમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સ્વામિનારાયણની આ સંસ્થામાં પણ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં પોઝિટીવ દર્દીઓ મળ્યાં છે.
આરોગ્યની ટીમો અમદાવાદમાં નવા બાંધકામ સાઇટની મુલાકાત પણ લેતી હોય છે. એક જ દિવસમાં વિવિધ બાંધકામ સાઇટ પર 810 મજૂરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી પાંચ મજૂરોને કોરોના પોઝિટીવ આવ્યો છે. અમદાવાદમાં તો કેટલીક પ્રાઇવેટ કંપનીઓમાં મોટાભાગના કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યાના દાખલા જોવા મળે છે, જો કે સુરત અને રાજકોટની સરખામણીએ અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળે છે.