નવી દિલ્હીઃ આગામી ઓગસ્ટ મહિનાથી એટીએમમાંથી નાણાં ઉપાડવાના ચાર્જિસ વધવાના છે ત્યારે સરકારી માલિકીની બેન્ક પંજાબ નેશનલ બેન્ક દ્વારા નવી વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે, જે હેઠળ હવે તમે એક જ એટીએમ કાર્ડ મારફતે ત્રણ બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકશો.
પીએનબી તેના ગ્રાહકોને ‘એડઓન કાર્ડ’ અને ‘એડઓન એકાઉન્ટ’ નામની બે સુવિધાઓ આપી રહી છે. આમાં, એડ ઓન કાર્ડ સુવિધા હેઠળ, બેંક ખાતામાં ત્રણ ડેબિટ કાર્ડ લઈ શકાય છે. તે જ સમયે, ઓડ ઓન એકાઉન્ટ સુવિધા હેઠળ ત્રણ ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે જોડી શકાય છે.
ત્રણ બેંક ખાતાઓને એક ડેબિટ કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા મર્યાદિત છે. આ સુવિધા અંતર્ગત, કાર્ડ જારી કરતી વખતે એક કાર્ડ પર ત્રણ બેંક ખાતા લિંક કરી શકાય છે. આમાંથી એક મુખ્ય ખાતું હશે અને અન્ય બે ખાતા હશે. પીએનબીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ ત્રણમાંથી કોઇપણ ખાતામાંથી ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
પીએનબીના જણાવ્યા અનુસાર, એડ-ઓન કાર્ડ સુવિધા હેઠળ, ગ્રાહક તેના બેંક ખાતામાં તેને આપવામાં આવેલા ડેબિટ કાર્ડ ઉપરાંત પરિવારના સભ્યો માટે 2 એડ-ઓન કાર્ડ મેળવી શકે છે. આમાં ફક્ત માતાપિતા, જીવનસાથી અથવા બાળકોનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્ડની મદદથી મુખ્ય ખાતામાંથી ઉપાડ કરી શકાય છે.
જોકે, આ સુવિધા માત્ર પીએનબી એટીએમ પર જ ઉપલબ્ધ રહેશે. જો તમે કોઈ અન્ય બેંકના ATM નો ઉપયોગ કરો છો, તો ટ્રાન્ઝેક્શન મુખ્ય ખાતામાંથી જ કરવામાં આવશે. તે જ સમયે, બેંક ખાતાઓ પીએનબીની કોઈપણ સીબીએસ શાખાના હોઈ શકે છે, પરંતુ ત્રણેય ખાતા એક જ વ્યક્તિના નામે હોવા જોઈએ.