કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના હવાલાથી મળતી ખબર મુજબ આ વર્ષે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીનું પ્રીમિયમ નહિ વધે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને કડક નિર્દેશો આપ્યા છે કે મહામારીને કારણે આ વર્ષે વીમા કંપનીઓ પ્રીમિયમ નહીં વધારે.
તેનો અર્થ એમ થયો કે જો આ વર્ષે તમારી પોલિસી રીન્યુ થવાની છે અથવા તો તમે કોઈ નવી પોલિસી ખરીદો છો તો તમારે વધારે પ્રીમિયમ નહિ ભરવું પડે. જોકે, કોરોના મહામારીને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં જોરદાર વધારો થયો છે અને કંપનીઓ પર પ્રીમિયમ વધારવાનું પણ દબાણ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને IRDAIએ પ્રીમિયમ વધારવાથી ઇન્કાર કરી દીધો છે અને વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ અન્ય સેક્ટર્સની જેમ નુકશાન વેઠે અથવા તો પોતાના નફાવાળા અન્ય સેગ્મેન્ટ માંથી હેલ્થ ઇન્શ્યોરન્સની ખોટ ભરપાઈ કરે.
આ ઉપરાંત કોરોના સાથે જોડાયેલ પ્રોડક્ટ્સ પણ તમામ વીમા કંપનીઓને ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમથી વેચવી જરૂરી છે. કારણ કે અનેક કંપનીઓએ વધતા ક્લેઇમને કારણે કોરોના પ્રોડક્ટ્સની ઓનલાઇન વેચાણ બંધ કરી દીધું હતું અને પ્રોડક્ટ્સ વેચવામાં રસ નહોતા દર્શાવી રહ્યા. પરંતુ હવે વીમા કંપનીને રોજે રોજ કોરોના પ્રોડક્ટ્સના વેચાણની જાણકારી રેગ્યુલેટર IRDAIને આપવાની ફરજીયાત છે.