પાકિસ્તાન સાથેના વધતી રાજકીય તંગદીલીને કારણે ભારતીય ટેનિસ એસોસિએશન ટેનિસની વિશ્વ સંસ્થા આઇટીએફને વિનંતી કરી શકે છે કે તે આવતા મહિને ઇસ્લામાબાદમા થનારી ડેવિસ કપ ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 કેન્દ્ર સરકાર દ્વારા હટાવી લેવામાં આવી તેની સાથે જ પાકિસ્તાને બુધવારે ભારત સાથેના રાજદ્વ્રારી સંબંધો ઘટાડી દીધા હતા, સાથે જ પાકિસ્તાન સ્થિત ભારતીય દુતાવાસના અધિકારીઓને પાકિસ્તાન છોડવા જણાવી દેવાયું છે.
એઆઇટીએના મહામંત્રી હિરણ્યમય ચેટર્જીએ કહ્યું હતું કે તેના કારણે મેચ પર અસર પડી શકે છે. હાલમાં કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે, પણ હું એક બે દિવસની રાહ જોઇશ. તે પછી અમે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ)ને પરિસ્થિતિ પર ધ્યાન આપવાની વિનંતી કરીશું. જરૂર પડ્યે તટસ્થ સ્થળે મુકાબલો કરવાની વિનંતી કરવામાં આવશે. ડેવિસ કપની મેચો 14 અને 15 સપ્ટેમ્બરે થવાની છે. ફેડરેશને ખેલાડીઓના વિઝા લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ચેટર્જીએ કહ્યું હતું કે પાકિસ્તાન જો વિઝા નહીં આપે તો અમે ત્યાં કેવી રીતે જઇશું. બની શકે કે તેઓ વિઝા ન આપે, જો કદાચ તેઓ વિઝા આપી પણ દે તો શું તેઓ અમને ત્યાં પુરતી સુરક્ષા આપી શકશે ખરાં એવો સવાલ તેમણે કર્યો હતો.
ભારતીય ડેવિસ કપ ટીમ છેલ્લે 1964માં પાકિસ્તાન ગઇ હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષિય ક્રિકેટ સંબંધો 2008ના મુંબઇ હુમલા પછી બંધ છે. ચેટર્જીએ કહ્યું હતું કે પાકિસ્તાને ઘણી મેચો તટસ્થ સ્થળે રમી છે. અમે આઇટીએફને વિનંતી કરીશું કારણકે સ્થિતિ ઘણી નાજૂક છે. અમે એવું નથી કહેતા કે અમે પાકિસ્તાન નહીં જઇશું. અમે એ રસ્તો નથી અપનાવવા માગતા, હું નથી ઇચ્છતો કે ટીમનું કોઇ નુકસાન થાય. તેમને જ્યારે એવું પુછાયું કે આઇટીએફ અન્યત્ર આયોજન કરાવવાનું નકારી કાઢે તો ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે સુરક્ષાના જે માપદંડ છે તે અમે નહીં પણ આઇટીએફે બનાવ્યા છે. કોઇપણ અનિશ્ચિત ઘટના બનવા માટે તેઓ જ જવાબદાર ગણાય. એ જ કારણે તેમણે એ બાબતે ગંભીરતાથી વિચારણા કરવી પડશે.
જો આઇટીએફ તટસ્થ સ્થળે મેચ રમાડવાનું સૂચન કરશે તો અમે તેને અનુસરીશું : સલીમ સૈફુલ્લાહ
પાકિસ્તાન ટેનિસ ફેડરેશનના પ્રેસિડેન્ટ સલિમ સેફુલ્લાહ ખાને એવું સ્વીકાર્યું હતું કે તંગદીલી વધી ગઇ છે અને સાથે જ એવું ઉમેર્યું હતું કે આઇટીએફ જે પણ સૂચનો કરશે તેને પીટીએફ અનુસરશે. સલીમે કહ્યું હતું કે તંગદીલી ચોક્કસ જ વધી છે પણ તે હળવી પણ થઇ જશે, ઇસ્લામાબાદ તો સલામત સ્થળ જ છે. અમારા માટે પણ ખેલાડીઓની સુરક્ષા અને સલામતી મુખ્ય છે. હાર કે જીત મહત્વની નથી, સલામતી જ વધુ અગત્યની છે. તટસ્થ સ્થળ અંગે હાલ કંઇ પણ કહેવું વહેલું ગણાશે પણ જો આઇટીએફ એવું માનશે કે સ્થળ બદલવું જરૂરી છે તો અમે તેમના એ સૂચનને અનુસરીશું. પણ હાલના તબક્કે સ્થળ બદલવાનું મને કોઇ કારણ જણાતું નથી એવું તેમણે ઉમેર્યું હતું.