આંતરડામાં પણ ટીબી થઈ શકે છે. આંતરડામાં ટીબીના મોટાભાગના કેસનું કારણ માઇક્રોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના બેક્ટેરિયા હોય છે. કેટલાક કિસ્સામાં આ માઇક્રોબેક્ટેરીયમ બોવિસ બેક્ટેરિયાના સંક્રમણના કારણે પણ થાય છે. ટીબી બે સ્થિતિમાં થાય છે. પ્રથમ ટીબીના બેક્ટેરિયાથી સંક્રમિત ખાવાનું ખાવાથી. બીજું, ફેફસાંની ટીબીની સ્થિતિમાં દર્દી દ્વારા લાળ ગળવાથી. એઈડ્સ અને કેન્સરના દર્દીઓ સિવાય જે લોકોની બીમારી સામે લડવાની ક્ષમતા ઓછી હોય છે તેમને આંતરડાનું ટીબી થવાનું જોખમ વધારે રહે છે.
આ બીમારી ત્રણ પ્રકારની હોય છે-
- અલ્સરેટીવઃ તેમાં આંતરડામાં અલ્સર થાય છે. આવું 60% દર્દીઓમાં થાય છે.
- હાઈપરટ્રોફિકઃ ટીબીના આ પ્રકારમાં આંતરડાની વોલ જાડી અને સખત થઈ જાય છે. આંતરડામાં અવરોધ આવી જાય છે. તે 10% દર્દીઓમાં થાય છે.
- અલ્સરેટિવ હાયપરટ્રોફિકઃ આવી સ્થિતિમાં આંતરડામાં અલ્સર અને અવરોધ બંને થાય છે. આંતરડાની ટીબીના દર્દીઓમાં 30% કિસ્સા આવા હોય છે.
લક્ષણો-
પેટમાં દુખાવો, કબજિયાત, લોહીના ઝાડા, તાવ આવવો, ભૂખ ઓછી લાગવી, કમજોરી, વજન ઘટી જવું અને પેટમાં ગાંઠ થવી જેવાતેના લક્ષણો છે. તેના કેટલાક લક્ષણો બીજી બીમારીઓથી મળતા આવે છે. તેથી ક્યારેક આવા લક્ષણ દેખાય તો તેની અવગણના ન કરવી અને ડૉક્ટર્સની સલાહ લેવી. આંતરડામાં ટીબીથી પીડિત દર્દીઓએ ખાણીપીણીમાં પ્રોટીન વધારે લેવું જોઈએ. તેના માટે ખાવાપીવામાં કઠોળ વધારે લેવું. તે સિવાય સૂપ, બટેટાં, ભાત, કેળાને ડાયટમાં સામેલ કરવા. સારવારની શરૂઆતમાં દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ લેવાનું ટાળવું, તે ઝાડાનું કારણ બને છે. તે સિવાય કોફી, ચા, કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળવું, તે ઝાડા અને પેટના દુખાવાને વધારે છે. આલ્કોહોલ પીવાનું ટાળવું.