કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. ભારત સરકારે 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે ગરમીની ઋતુમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે, ત્યારે વાયરસના નાના-નાના કણમાં વહેંચાઈ જાય છે. વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવી જાય છે. એટલું જ નહીં, એ લાંબા સમય સુધી હવામાં રહે છે, એટલે જો વ્યક્તિ માસ્ક પહેર્યા વિના એ સ્થળે હોય તો સંક્રમિત થવાની શક્યતા પૂરેપૂરી છે. જોકે ખુલ્લા વાતાવરણમાં સંક્રમિત થવાનો ખતરો ઓછો છે, પરંતુ હૉલ, બંધ રૂમ, લિફ્ટ વગેરેમાં સંક્રમિત વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય, તો ત્યાં હાજર લોકો સંક્રમિત થવાની શક્યતા ઘણી વધી જાય છે. હવામાં વાયરસની અસર સમજવા માટે વિજ્ઞાનીઓએ હૈદરાબાદમાં અને મોહાલીમાં 64 સ્થળે પ્રયોગો કરીને આ તારણ કાઢ્યું હતું.
