તા. 19 (પીટીઆઇ) : ભારતના અમિત પંઘાલ અને મનીષ કૌશીક શુક્રવારે જ્યારે કઝાકિસ્તાનના એકાતેરિનબર્ગ ખાતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પોતપોતાની કેટેગરીમાં પોતાના હરીફો સામે રિંગમાં ઉતરશે ત્યારે ભારતને આ સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની આશા હશે. ભારતના બે બોક્સર કદી આવી ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચ્યા નથી એ હિસાબે આ બંને બોક્સરોએ ઇતિહાસ રચી જ દીધો છે, પણ જો આ બંને અથવા બંનેમાંથી કોઇ એક પણ ફાઇનલમાં પહોંચશે તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહેશે.
પંઘાલ 52 કિગ્રાની કેટેગરીમાં કઝાકિસ્તાનના સાકેન બિબોસિનોવ સામે બાથ ભીડશે, જ્યારે 63 કિગ્રાની કેટેગરીમાં કૌશિકનો સામનો આ કેગેગરીની સૌથી પ્રસિદ્ધ અને ક્યુબાના ટોચના ક્રમાંકિત એન્ડી ગોમેઝ ક્રુઝ સાથે થશે. ક્રુઝ 2017નો લાઇટ વેલ્ટરવેઇટનો ગોલ્ડ મેડલિસ્ટ છે અને તે બે વાર પેન એરિકા ગેમ્સનો પણ ગોલ્ડ મેડલિસ્ટ છે. ભારતીય બોક્સિંગના હાઇ પરફોર્મન્સ નિર્દેશક સાન્ટિયાગો નિએવાએ કહ્યું હતું કે હવે આકરુ કામ શરૂ થશે. અમે પહેલાથી જ મેડલની સંખ્યા સુધારી છે હવે માત્ર તેના રંગને શ્રેષ્ઠ કરવા ઇચ્છીશું.