ગાંધીનગર- ગુજરાતમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 37 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગરમીનો પારો 46 થી 48 ડીગ્રી સુધી જઇ શકે છે. એપ્રિલના મધ્યથી ગરમીનો પારો વધતો જશે.
હવામાનની આગાહી પ્રમાણે 7મી એપ્રિલથી ગુજરાતના શહેરોમાં ગરમીની સિઝનનો અહેસાસ થશે. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે 2020માં ગરમીની સિઝન મોડી શરૂ થઇ છે. બીજી તરફ વિશ્વના દેશો સાથે ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે. નિષ્ણાંતો માને છે કે ભારતમાં જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ કોરોનાનું સંક્રમણ ઓછું થતું રહેશે. કોરોનાના વિષાણુંઓ ગરમી સહન કરી શકતા નથી તેથી ચેપ લાગવાની શક્યતાઓ ઓછી થશે.
સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે કે 2019માં ગુજરાતમાં સૌથી વધુ 45.3 ડીગ્રી ગરમી નોંધાઇ હતી પરંતુ 2020ના આ ઉનાળામાં ગરમીનો પારો કોઇ જગ્યાએ 48 તો સામાન્ય સ્થળોએ 46ને પાર થાય તેવી સંભાવના છે. મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણાં વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં એક થી બે ડીગ્રી સેલ્સિયસ ઉંચું રહેવા સંભવ છે. રાજ્યમાં સામાન્ય રીતે ઉનાળામાં સુરેન્દ્રનગર જિલ્લો વધુ ગરમ હોય છે. ગયા વર્ષે પણ આ જિલ્લામાં વિક્રમી 45.3 ડીગ્રી ગરમી પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં સરેરાશ તાપમાન વધારે રહેશે જે અગાઉના વર્ષોના વિક્રમ તોડશે. ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર બન્યું છે. હાલ તો હવામાનમાં અલનીનો જેવા આબોહવા મોટાપાયાના પરિબળો જણાતા નથી પરંતુ ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે.
હવામાન વિભાગના સ્ટડી પ્રમાણે માર્ચ મહિનામાં તાપમાનમાં અડધા થી એક ડીગ્રીનો વધારો થશે જે એપ્રિલ અને મે મહિના સુધીમાં બે ડીગ્રી વધુ જોવા મળશે. આ સ્ટડીમાં ભારતના 103 સ્થળોની છેલ્લા 50 વર્ષની ઉનાળાનું ઋતુની માહિતી એકત્ર કરવામાં આવી છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, ઇડર, ભૂજ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા એવાં છે કે જ્યાં સૌથી વધુ ગરમી પડે છે.
ગયા વર્ષે ઉનાળામાં રાજસ્થાનમાં ભારે ગરમી પડી હતી. રાજસ્થાનના ગંગાનગરમાં 48.6 ડીગ્રી, બિકાનેરમાં 48.1 ડીગ્રી તેમજ જેસલમેરમાં 47.8 ડીગ્રી ગરમી જોવા મળી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી ચૂક્યો હતો. આ વખતે પણ ગરમીનો પ્રકોપ અગાઉના વર્ષ કરતાં વધુ આક્રમક બની રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.