ભારતીય સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાએ પોતપોતાની કેટેગરીમાં જીત મેળવીને શુક્રવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 8 વર્ષના લાંબા ગાળા પછી મેટ પર ઉતરેલા સીનિયર રેસલર સુશિલ કુમારનો પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બંજરંગે 65 કિગ્રાની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટેની બાઉટમાં મંગોલિયાના તુલ્ગા તુમુર ઓચિરને 8-7થી હરાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ રહ્યો હતો અને તે ત્રણ મેડલ જીતનારો પહેલો ભારતીય રેસલર બન્યો હતો. આ પહેલા બજરંગે 2013માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો.
રવિ કુમારે 57 કિગ્રાની ફ્રી સ્ટાઇલ કેટેગરીની બ્રોન્ઝ મેડલ માટેની બાઉટમાં ઇરાનના રેઝા અત્રી નાગાહરચીને 6-3થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. આ પહેલા જેના પર દેશની નજર હતી અને જેણે ભારતને બે વાર ઓલિમ્પિક્સ મેડલ જીતાડ્યા છે તે સીનિયર રેસલર સુશિલ કુમાર 8 વર્ષ પછી મેટ પર ઉતર્યો અને તેનો એ પ્રવાસ પહેલી મેચમાં જ પુરો થયો હતો.
74 કિગ્રાની કેટેગરીમાં સુશિલ કુમારનો અઝરબેઝાનના રેસલર ખાદજામુરાદ ગધીજેવ સામે ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોરદાર શરૂઆત કરીને 9-4ની સરસાઇ મેળવ્યા પછી 9-11થી પરાજય થયો હતો. હવે જો ખાદજામુરાદ ફાઇનલમાં પહોંચશે તો સુશિલને રેપચેઝ દ્વારા મેડલ જીતવાની તક મળી શકે છે.