કોરોના વાયરસના ફરીથી તેજીથી વધતા જતા કેસોની વચ્ચે જો તમે તમારું અને તમારા પરિવારનું ફેમિલી ચેકઅપ કરાવો છો તો તેનાથી તમે ટેક્સમાં છૂટનો ફાયદો પણ લઇ શકો છો. એ માટે તમારે 31 માર્ચ 2021 પહેલાં ચેકઅપ કરાવવાનું રહેશે. અનેક હોસ્પિટલે પણ ઇમ્યુનિટી પેકેજીસ ડિઝાઇન કર્યા છે. જેમાં મહિલા, પુરૂષો અને સીનિયર સિટીઝન માટે અલગ-અલગ પેકેજ છે. આવું કરીને તમે તમારી તપાસની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરી શકો છો અને ઇન્કમ ટેક્સનો લાભ પણ. ઇન્કમટેક્સની સેક્શન 80 અંતર્ગત મેડિકલ ઇન્શ્યોરન્સ માટે આપવામાં આવતા પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકાય છે. જો તમે ખુદની માટે, પાર્ટનર માટે અથવા તો બાળકો માટે પ્રીમિયમ ચૂકવો છો તો 25,000 રૂપિયા સુધીનો ટેક્સ તમે બચાવી શકો છો. આ સાથે જ તમારા 60 વર્ષથી ઉપરના માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવો છો તો આ છૂટ 50,000 રૂપિયા સુધીની થઇ જશે. જો માતા-પિતા બંને વરિષ્ઠ નાગરિક છે તો એક નાણાંકીય વર્ષમાં વધારેમાં વધારે એક લાખ રૂપિયાના કપાતનો દાવો કરી શકાય છે.જો કે એ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે, જો તમે કોઇ પણ પોલિસી કેશમાં ખરીદો છો તો પછી તમને તેનો લાભ નહીં મળે. તેનો ફાયદો તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે કેશનું વધારે પ્રીમિયમ ભરવાના બીજા વિકલ્પોને પસંદ કરો છો કે જેમાં ચેક, નેટબેંકિંગ અને અન્ય બીજા ડિજિટલ વિકલ્પ શામેલ છે. જો કે, હેલ્થ ચેકઅપ માટે પાંચ હજાર રૂપિયા સુધીની રોકડ ચુકવણી પર ટેક્સ બેનિફિટ મેળવી શકાય છે. તેમ છતાં પણ જો તમે આ પ્રકારના હેલ્થ ચેકઅપ પર પૈસા ખર્ચ નથી કરતા તો એક રસ્તો એ છે કે, અનેક વીમા કંપનીઓ દર ત્રણ અથવા ચાર વર્ષમાં એક વાર ફ્રીમાં હેલ્થ ચેકઅપનો વિકલ્પ આપે છે, પરંતુ શરત એ હોય છે કે, પોલિસી પર કોઇ પણ જાતનો દાવો ન કરવામાં આવ્યો હોય, તો તમે ફુલ બોડી ચેકઅપ કરવા માટે આનો ઉપયોગ પણ કરી શકો છો.
