ગાંધીનગર — ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની નવી તારીખે મે ના અંતમાં જાહેર થશે ત્યારે ભાજપને મોટો ફટકો પડશે, કારણ કે ભાજપ પાસે એક મત ઓછો થયો છે અને કોંગ્રેસના નેતાઓએ ફરીથી અન્ય પક્ષોના ધારાસભ્યોના મતો મેળવવા મરણિયો જંગ શરૂ કર્યો છે. કેન્દ્રીય મોવડીમંડળના આદેશને પગલે સ્થાનિક નેતાઓએ તેમના સોર્સિસ કામે લગાડ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ હતુ અને ચૂંટણી 26મી માર્ચે થવાની હતી પરંતુ કોરોનાનું સંકટ વધતાં ભારતીય ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી પણ મુલતવી રાખી હતી. હવે લોકડાઉન ખૂલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મે ના અંતિમ સપ્તાહમાં રાજ્યસભાની ચૂંટણી માટેની નવી તારીખની ધોષણા થાય તેવી સંભાવના છે. પંચના સૂત્રો કહે છે કે લોકડાઉનના નિયમો પ્રમાણે રાજ્યસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ કરાશે.
અલબત્ત, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સિનિયર કેબિનેટ સાથી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કરેલા કથિક કાવાદાવા સામે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી રદ્દ કરતાં તેમનું કેબિનેટ મંત્રીનું પદ જોખમમાં આવી ગયું છે. ગમે તે સમયે તેમને રાજીનામું આપવું પડી શકે છે. જો કે તેમણે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે તેમ છતાં જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તેઓ પદ પર રહી શકતા નથી, કારણ કે હાઇકોર્ટે ધોળકાની ચૂંટણીના પરિણામને રદ્દબાતલ કર્યું છે.
ગુજરાતમાં હાલ ભાજપ પાસે 103 બેઠકો છે. કોંગ્રેસની સભ્યસંખ્યા 72 છે. બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. હાલ ત્રણ બેઠકો ખાલી છે પરંતુ જો ધોળકા બેઠક ગણવામાં આવે તો ચાર બેઠકો ખાલી કહેવાશે. વિધાનસભાના સૂત્રો કહે છે કે લિગલ બેટલ હોવાથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજ્યસભાની ચૂંટણીમાં હિસ્સો લઇ શકશે નહીં.
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે અભય ભારદ્વાજ અને રમીલા બારાના નામ સત્તાવાર જાહેર કર્યા હતા. ત્રીજી બેઠક માટે પાર્ટીએ કોંગ્રેસ ગોત્રના નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટિકીટ આપી છે. ભાજપની એક બેઠક જો ખાલી પડે તો અને બીટીપીના છોટુ વસાવા કોંગ્રેસને મત આપે તો ભાજપને ત્રીજી બેઠક જીતવામાં ફાંફા પડી શકે છે. કોગ્રેસને બે બેઠક જીતવા માટે 73 મતોની જરૂર છે એટલે કે કોંગ્રેસને બે ધારાસભ્યોની જરૂરી છે બીજી તરફ ભાજપને પાંચ કે છ ધારાસભ્યો જોઇએ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે ત્રીજી બેઠક જીતવા માટે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દીધાં છે. આ પાંચેય ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. આ સભ્યો રાજ્યસભામાં ભાગ લઇ શકશે નહીં, બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિરૂદ્ધમાં ચૂકાદો આવતાં તેઓ પણ રાજ્યસભામાં મત આપી શકશે નહીં. આ સંજોગોમાં કોંગ્રેસને બીજી બેઠક મળવાના ચાન્સ ઉજળા બન્યાં છે.