વર્લ્ડ સ્વિમીંગમાં ફલાઇંગ ફિશના નામે જાણીતા દિગ્ગજ અમેરિકન સ્વિમર માઇકલ ફેલપ્સના બે રેકોર્ડને તોડીને સેલેવ ડ્રેસલ હવે નવો સ્વિમીંગ કિંગ બની ગયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. અહીં યોજાયેલી વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પિયનશિપમાં ડ્રેસલે 100 મીટર બટરફલાઇનો ફેલપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડવા ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 8 મેડલ જીતીને ઍક જ સ્પર્ધામાં સૌથી વધુ 7 મેડલ જીતવાના ફેલપ્સના રેકોર્ડને પણ તોડી નાંખ્યો હતો.
ડ્રેસલે 100 મીટર બટરફલાઇ ઇવેન્ટની બીજી સેમી ફાઇનલમાં 49.50 સેકન્ડનો સમય લીધો હતો. આ સાથે જ તેણે માઇકલ ફેલપ્સના 2009ના રોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બનાવાયેલા 49.82 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ડ્રેસલે ફેલપ્સ કરતાં 0.32 સેકન્ડ ઓછી લીધી હતી. તેણે આ રેકોર્ડ તોડ્યો તેની સાથે જ ફેલપ્સે પોતે પણ તેને અભિનંદન આપ્યા હતા.
ડ્રેસેલે આ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર સહિત કુલ 8 મેડલ જીતીને ઍક ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીતવાના ફેલપ્સના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ફેલપ્સે 2007ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 7 ગોલ્ડ અને 2011ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ ઍમ કુલ 7 મેડલ જીત્યા હતા.