ગુજરાતમાં કોરોનાના રોકેટગતિએ વધી રહેલા કેસોમાં કોરોનાના ગંભીર દર્દીની સારવારમાં વપરાતું ઇન્જેક્શન તેમજ અસરકારક દવાનો જથ્થો ઓછો હોવાથી રાજ્ય સરકારે તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે.
કોરોનાના ત્રણ પ્રકારના દર્દીઓ પૈકી જે દર્દી વધુ ગંભીર હોય તેમનો જીવ બચાવવા બે મહત્વની દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા રાજ્ય સરકારે હોસ્પિટલ અને તબીબી સ્ટાફને અપીલ કરી છે. આ દવાઓ જીવ બચાવવા માટે ખૂબ ઉપયોગી છે તેથી નિદાન પછી જરૂરિયાત મંદ દર્દીને જ આપવી જોઇએ તેમ કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે અને હવે રોજનો આંકડો 800 નજીક પહોંચી ગયો છે. હોસ્પિટલમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આઇસીએમઆરની માર્ગદર્શિકા પ્રમાણે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એમ ત્રણ પ્રકારના દર્દીઓની અલગ અલગ દવાઓથી સારવાર કરવામાં આવે છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચજી કોશિયાએ કહ્યું હતું કે આ સારવારના ભાગરૂપે ઇન્વેસ્ટીગેશનલ થેરાપી પણ દર્શાવવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં ટોસિલીઝુમાબ ઇન્જેક્શન અને રીમડેસિવીર દવાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના દર્દીને સાજો કરવા માટે ઇચ્છિત પરિણામ મળી રહ્યાં છે.
મોડરેટ કન્ડીશન હોય તેવા દર્દીને ઓક્સીજનની જરૂરિયાત હોય છે તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતિમાં સુધારો થતો ન હોય તેવા કેસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલું જ નહીં મોડરેટ કન્ડીશનના દર્દીને રીમડેસિવીર દવા સૂચિત કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે ભારત સરકાર ઇન્જેક્શન બીજા દેશોમાંથી આયાત કરે છે જ્યારે દવાના ઉત્પાદનની હાલમાં જ મંજૂરી આપવામાં આવેલી છે. આ ઇન્જેક્શન અને દવા મર્યાદીત જથ્થામાં બજારમાં ઉપલબ્ધ હોવાતી માર્ગદર્શિકા પ્રમાણે વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે.
કોશિયાએ હોસ્પિટલોના તબીબોને જરૂરિયાતમંદ દર્દીઓને આ ઇન્જેક્શન તેમજ દવા પ્રિસ્ક્રાઇબ કરવાની વિનંતી કરી છે. ઇન્જેક્શન બહારથી આવતા હોવાથી મર્યાદિત કેસોમાં વાપરવા તેમજ દવાનું ઉત્પાદન હમણાં જ શરૂ થયું હોવાથી મોડરેટ તેમજ ગંભીર દર્દી આ ઇન્જેક્શન અને દવાથી વંચિત ન રહે તે જોવા તબીબી સ્ટાફને ગુજરાતના આરોગ્ય વિભાગે સૂચિત કર્યાં છે.
ઇન્જેક્શનની તંગી અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ટોસિલીઝુમેબના 20 હજાર નવા ઈન્જેક્શનની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોનાની સ્થિતિમાં સરકારે આગમચેતી સ્વરૂપે પગલા લીધા છે. કોર ગ્રુપની બેઠક દરરોજ આયોજિત થાય છે. સતત નવી દવાઓ અને સાધનોની ખરીદી થઇ રહી છે. એક ઇન્જેક્શન 45 હજાર રૂપિયાનું આવે છે અને તેની તંગી પણ ખુબ હોવા છતા સરકાર સતત તેની ખરીદી કરી રહી છે.
20 હજાર નવા ઈન્જેક્શનની ખરીદી પૂર્ણ થઈ છે. ડોક્ટર્સની સલાહ અનુસાર તેનો વપરાશ પણ છુટથી થઇ રહ્યો છે. આ ઇન્જેક્શન વિશ્વમાં માત્ર એક જ કંપની બનાવે છે. સરકાર આ ઇન્જેક્શન વિના મુલ્યે જરૂર અનુસાર ઉપયોગ કરે છે તેથી હોસ્પિટલોના તબીબોને સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.