સમગ્ર દેશમાં કોરોનોનો કહેર હજુ અટકવાનું નામ લેતો નથી, મોટાભાગના પરિવારો એક યા બીજી રીતે કોરોનાનો સીધો કે આડકતરી રીતે ભોગ બન્યો જ છે. ત્યારે પોતાના માટે કામ કરતા કર્મચારીઓ માટે સંખ્યાબંધ કંપનીઓ મેદાનમાં આવી છે અને અનેકવિધ મદદની જાહેરાતો કરી ચુકી છે. અગાઉ મુથુટ ફાઇનાન્સ બાદ હવે બજાજે પણ આવી જાહેરાત આજે કરી છે.દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. તેવામાં દેશની ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. તેવામાં બજાજ ઓટો કંપનીએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીનો નિર્ણય છે કે કોવિડ -19 ના કારણે તેના કર્મચારીનું મૃત્યુ થાય તો કંપની તેના કર્મચારીઓના પરિવારને 2 વર્ષ સુધી પગાર ચૂકવશે અને મૃતક
કર્મચારીઓનાં બાળકોના અભ્યાસનો ખર્ચ પણ કંપની ઉઠાવશે. પુણે સ્થિત ઓટો ચીફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા આપવામાં આવેલ વીમા પણ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે.આ લાભ બજાજ ઓટો દ્વારા આપવામાં આવશે. બજાજ ઓટોએ કહ્યું હતું કે, સહાય નીતિ હેઠળ મૃતક કર્મચારીના પરીજનોને 24 મહિના માટે દર મહિને 2 લાખ રૂપિયા સુધીનો માસિક પગાર ચુકવવામાં આવશે. તેમજ બે બાળકો હોય તેને બાળક દીઠ 12 ધોરણ સુધી 1 લાખ રૂપિયાની શિક્ષા સહાય આપવામાં આવશે. જ્યારે સ્નાતક માટે બાળકને દર વર્ષે 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. બજાજ ઓટોએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ સહાય નીતિ બધા કાયમી કર્મચારીઓ માટે 1 એપ્રિલ 2020 થી લાગુ છે. એટલે કે ગયા વર્ષે કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓને પણ આ સહાય આપવામાં આવશે.