કંપનીના નિયમોની હુલ મારી રૂ.30 હજાર લેવા જતા જે તે સમયે અધિકારી ભેરવાયા હતા. દમણના યુરોપ્લાસ્ટ અને અરહિંત ઇન્ડ્રસ્ટ્રીઝ કંપની ધારા ધોરણો વિરુદ્ધ ચાલતી હોવાની હુલ મારી રૂ.30 હજારની લાંચ લેવા જતા સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના અધિકારી ભેરવાયા હતા જેઓને સીબીઆઇ જજ સી.કે.ચૌહાણે દોષિત ઠરાવી 5 વર્ષની સજા અને રૂ.5 હજાર દંડ ફટકારતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વિગતો મુજબ મુંબઇમાં રહેતા રાજીવ મોટા અને કેતન મોટાના દમણમાં યુરોપ્લાસ્ટ અને અરહિંત ઇન્ડ્રસ્ટ્રીઝ કંપની બે કંપની ધરાવે છે. દરમ્યાન દમણના સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના અધિકારી ફોઝાસીંઘ પાંડેર નામના અધિકારી 28 એપ્રિલ 2005ના રોજ કંપનીની મુલાકાતે ગયા હતાં. ત્યારે ત્યાં હાજર કંપનીના કર્મચારી વ્યોમેશ છેડાને કહ્યું હતું કે, આ કંપનીમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. તમારા માલિક સાથે ફોન પર વાત કરાવ જેથી છેડાએ માલિક રાજીવ મોટા સાથે વાત કરાવી હતી. અધિકારી પાંડેરે મોટાને તાત્કાલિક ઓફિસમાં મળવાનું જણાવ્યું હતું. આથી રાજીવ મોટા અને કેતન મોટા તેમને મળતા બધાજ પ્રશ્નો ના નિરાકરણ માટે રૂ.2 લાખની લાંચ માંગી હતી અને તે રકમ આખરે રૂ.30 હજારમાં નક્કી થઈ હતી. જોકે કંપની ના માલિકે આ અધિકારી ને પાઠ ભણાવવા નું નક્કી કર્યું હતું અને આ અંગે કેતન મોટાએ અધિકારી પાંડેર વિરુદ્ધ સીબીઆઇમાં ફરિયાદ નોંધાવતા સીબીઆઇએ ટ્રેપ ગોઠવી આરોપીને રૂ.30 હજારની લાંચ અને 1 કિલો મીઠાઇના પેકેટ સાથે ઝડપી લીધા હતાં.
આ ઘટના ને લઈ કંપની માં તોડ કરવા પહોંચી જતા તત્વો માં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.
Sunday, May 5