(Dharampur)કોરોનાની મહામારી વચ્ચે પણ ધરમપુરના વિલસનહિલ ખાતે મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓ કારમાં ફરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. જ્યારે પ્રવાસીઓ(tourist)ના મોં ઉપર માસ્ક કે કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ રહેતું નથી. વિલસનહિલ ખાતે પ્રવાસીઓના ટોળા ઉમટી પડે છે. ત્યારે તંત્ર દ્રારા કડકાઈથી અમલ કરવામાં આવે એવી માંગ સ્થાનિક રહીશોમાં ઉઠી રહી છે.
સમગ્ર દેશ કોરોનાની મહામારી વચ્ચે પસાર થઈ રહ્યો છે. તો બીજી બાજુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલસન હિલ ખાતે વલસાડ, નવસારી, દમણ તથા મહારાષ્ટ્રમાંથી અસંખ્ય પ્રવાસીઓ ફરવા માટે આ સ્થળની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધુ હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી વિલસનહિલ ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો નથી ત્યારે જિલ્લાનું તંત્ર પ્રવાસીઓ ઉપર રોક લગાવે એવી માંગ ઉઠી છે.
વિલ્સનહીલ ખાતે અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ પર રોક લગાવવા ટીડીઓને રજૂઆત
ધરમપુર તાલુકાનાં વિલ્સનહીલ ખાતે કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રવાસીઓની ભારે ભીડ જામતા પ્રવાસીઓ કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ કે મોં પર માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. સરકારના આદેશનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ધરમપુર તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ રમણ પટેલે પણ મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાંથી આવતા અન્ય પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ લગાવાની માંગ ધરમપુર ટીડીઓને કરી હતી.
ડાંગની લીલીછમ વનરાજી ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
સાપુતારાનાં પ્રવાસન સ્થળોએ લીલીછમ વનરાજી સોળે શણગાર સજી ખીલી ઉઠી છે. ત્યારે સાપુતારામાં આસ્વાદ માણવા માટે રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. સોળે કળાએ ખીલી ઉઠેલી વનસંપદાનો શણગાર હાલમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યો છે. સાપુતારામાં દરેક ઋતુઓમાં પ્રવાસીઓનો મેળાવડો જોવા મળી રહે છે, તેવામાં લોકડાઉન બાદ છુટછાટ મળતા સાપુતારાનાં કુદરતી સૌંદર્યને માણવા ધીમે ધીમે પ્રવાસીઓ વધી રહ્યા છે, લોકડાઉનમાં ઘરમાં પુરાઈ ગયેલુ જનજીવન હવે ધીરેધીરે બહાર આવીને પ્રકૃતિનાં ખોળા તરફ જઈને સુમેળ સાધવાનો પ્રયત્ન કરી રહ્યુ છે, ડાંગમાં જૂન મહિનાનાં પ્રારંભમાં સતત વરસાદ પડતા અહીની ભૂમિ તરીતૃપ્ત બની મહેકી ઉઠી છે, સાથે સાપુતારાનાં પ્રવાસન સ્થળોએ લીલીછમ વનરાજી સોળે શણગાર સજી ખીલી ઉઠી છે, હાલમાં એડવેન્ચર એક્ટિવિટી બંધ છે, છતાં રવિવારે નિસર્ગપ્રેમી પ્રવાસીઓ પોતાના નાના મોટા વાહનોનાં કાફલા સાથે કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, પ્રવાસીઓએ વનરાજીનાં ઠંડકમય વાતાવરણમાં ખુશખુશહાલ બની પીકનીક સહિત મિજબાની માણી હતી.