ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમને ગુસ્સો કેમ આવ્યો છે તે જાણવું હોય તો તેમણે જેને બોલાવ્યા હતા તે પોલીસ અધિકારીને પૂછવું પડે તેમ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે ચીફ સેક્રેટરીએ પોલીસ અધિકારીઓને બોલાવીને કડક પગલાં લેવાની સૂચના આપી છે.
ગુજરાતમાં અનલોક-2માં લોકો એમ સમજે છે કે કોરોના વાયરસ ચાલ્યો ગયો છે. હવે કોઇ મુશ્કેલી નથી તેથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી તેમજ ચહેરા પર માસ્ક પહેરવામાં આવતો નથી. અનિલ મુકિમે પોલીસ અધિકારીઓને સલાહ આપી છે કે તેઓ કડક ચેકીંગ હાથ ધરી કસૂરવાર લોકોને દંડ અને સજા કરે. દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી તેમજ નાક અને મોંઢાની નીચે માસ્ક પહેરવાની ફેશન થઇ ચૂકી છે જેથી સંક્રમણ વધતું જાય છે.
અનિલ મુકિમે રાજ્યના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં કહ્યું હતું કે આ બન્ને નિયમોનું કડક પાલન થવું જોઇએ અને અન્ય વિભાગો સાથે ચર્ચા કરીને નિયમોનો ભંગ કરતા લોકો તેમજ દુકાનોને દંડ કરવો જોઇએ.
ચીફ સેક્રટેરીએ કોરોના વાયરસથી પ્રભાવિત જિલ્લાઓની સમીક્ષા કરી હતી અને જિલ્લા અધિકારીઓ પાસેથી ખુસાલો પણ માગવામાં આવ્યો હતો. મુકિમે વહીવટી તંત્રના જિલ્લા અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમમે જિલ્લા વહીવટી તંત્રનાઅધિકારીઓ, ડીડીઓ તેમજ કલેક્ટરને કહ્યું હતું કે માસ્ક નહીં પહેરવા પર વધારે દંડ વસૂલ કરવો અને જ્યાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ન થાય તે દુકાન, સ્ટોક કે બેન્ક ઉપરાંત એવાં જાહેર સ્થળોને બંધ કરી દેવા જોઇએ.
આ બેઠકમાં અધિકારીઓએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કેસોમાં અચાનક ઉછાળો આવવાનું એક મોટું કારણ એ છે કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા સૌથી ખરાબ અસરગ્રસ્ત જિલ્લાના લોકોને તેમના જિલ્લાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. કેટલાક અધિકારીઓએ આંશિક લોકડાઉન જેવા પગલા સૂચવ્યા હતા.
મુખ્ય સચિવે જિલ્લા વહીવટી અધિકારીઓને ખાતરી આપી હતી કે જરૂર પડે તબીબી સુવિધાઓ વધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જિલ્લાની સરકારી ઓફિસોમાં પણ આરોગ્યના નિયમોનું કડકહાથે પાલન થવું જોઇએ. જરૂર પડે તો સરકારી ઓફિસોમાં આરોગ્યની સુવિધાઓ વધારવી પડશે. રાજ્યના તમામ કર્મચારીઓએ માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની તાકીદ પણ તેમણે કરી હતી.