દિલ્હીમાં દારૂની તસ્કરી રોકવા માટે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે એક્સાઇઝ પોલિસીમાં અનેક મોટા ફેરફારો કર્યા છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં દારૂની દુકાનો સરકાર નહીં ચલાવે. એટલે કે, હવે અહીં સરકારી કરારો નહીં હોય. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોમવારના રોજ એક્સાઇઝ પોલિસીમાં કરેલા ફેરફારોની જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે, ‘દારૂની દુકાન ચલાવવી એ સરકારની જવાબદારી નથી.’મનીષ સિસોદિયાએ એમ પણ જણાવ્યું કે, ‘હવે દારૂની નવી દુકાનો નહીં ખોલી શકાય. એનો અર્થ એ થયો કે, આજની તારીખમાં દિલ્હીમાં જેટલી દારૂની દુકાનો છે, તેટલી જ રહેશે.’ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ હવે દિલ્હીમાં પણ દારૂ ખરીદવાની કાયદેસરની ઉંમર 21 વર્ષ હશે. એટલે કે, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દારૂ નહીં ખરીદી શકે અને દારૂ નહીં પી પણ શકે. જો કોઇની પર પણ શંકા થશે તો તેની આઇડી કાર્ડ ચેક કરવામાં આવશે.
