કોરોનાની બીજી લહેરની ઘાતક અસરનો સામનો કર્યા બાદ ત્રીજી લહેરની આશંકા વચ્ચે તેનો સામનો કરવાની તૈયારીઓનો દિલ્હીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓક્સિજન સંકટનો સામનો કર્યા બાદ હવે દિલ્હીમાં ઓક્સિજન ટેંક તથા પ્લાન્ટ અંગે જરૂરી પગલા લેવામા આવી રહ્યાં છે. તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,‘ઓક્સિજન સંકટની સ્થિતિ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યું છે જેના ભાગરુપે દિલ્હીમાં 57 ટનનો ઓક્સિજન ટેંક તૈયાર કરવામા આવ્યો છે. ડીડીયુ હોસ્પિટલ અને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં આ ટેંક લગાવાયા છે. આ સાથે દિલ્હીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પણ તૈયાર કરવામા આવી રહ્યાં છે. દિલ્હી સરકાર 1-2 દિવસમાં 19 પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં હાલ ઓક્સિજન જનરેશન અને ઓક્સિજન સ્ટોરેજની કેપિસિટી જનરેટ કરવામા આવી રહી છે. અમે વધુ ટેંકર્સ લાવી રહ્યાં છીએ. હાલ તો વેક્સિનની ઉપલબ્ધતા ચિંતાનો વિષય છે. સારી વાત છે કે 21 જૂન બાદ કેન્દ્ર મફતમાં વેક્સિન આપશે, જોકે આ તેમણે સુપ્રીમ કોર્ટના દબાણને કારણે કર્યું હતું.’
