ગુજરાતમાં હિન્દી ફિલ્મોના શૂટીંગનું આકર્ષણ વધતાં નવું બોલીવુડ ઉભું કરવા માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપના સેવ્યા હતા તે હાલની વર્તમાન સરકારમાં નિષ્ફળ જઇ રહ્યાં છે. આ માધ્યમ થકી ગુજરાત સરકાર કરોડો રૂપિયાની આવક કમાઇ શકે છે છતાં વહીવટી તંત્રની શિથિલતાને કારણે ફિલ્મ ઉદ્યોગ રાજસ્થાન તરફ જઇ રહ્યો છે.
ગુજરાત સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી કાઢ્યા હતા. ખાસ કરીને કપરાડાને પૂના પાસેના ખંડાલા અને લોનાવાલાની જેમ ડેવલપ કરવાની એક યોજના બનાવવામાં આવી હતી જેમાં કોઇપણ પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળતું નથી. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ની જેમ સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન રચવાનો નિર્ણય કર્યો હતો અને આ ક્ષેત્રે 22 પ્રકારના મનોરંજક ઝોન બનાવવાના થતા હતા.
ફિલ્મસ્ટુડિયો અને ફિલ્મ સિટીના પ્રોજેક્ટ જે અટવાઇ પડ્યા છે.
1.કચ્છમાં ફિલ્મસ્ટાર સંજય દત્ત અને તેમના એનઆરઆઇ મિત્ર પરેશ ઘેલાણી હોલીવુડના યુનિવર્સલ સ્ટુડિયો જેવી ફિલ્મ સિટી બનાવવા તૈયાર હતા. તેમણે 1000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત પણ કરી હતી. જો કે આ પ્રોજેક્ટ હાલ મૃતપ્રાય બની ચૂક્યો છે.
2.એ જ પ્રમાણે ફિલ્મસ્ટાર જેકી શ્રોફ અમદાવાદ અને નળ સરોવરના વિસ્તારમાં 500 કરોડના ખર્ચે ફિલ્મ સ્ટુડિયો બનાવવાના હતા. તેમણે જગ્યા પણ પસંદ કરી હતી.
3.મુંબઇ બેઝ ફિલ્મ પ્રોડ્યુસર મિહીર ભૂતા દક્ષિણ ગુજરાતમાં 500 કરોડની ફિલ્મ સિટી બનાવવાનું વચન આપીને ગયા હતા. તેમની સાથે પરેશ રાવલ પણ જોડાયેલા હતા.
4.હોલીવુડના નિર્માતા લૂલા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને કચ્છના લોકેશનમાં ફિલ્મ સિટી તેમજ સ્ટુડિયો ઉભો કરવાના હતા.
5.ફિલ્મસ્ટાર અને ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ સ્ટુડિયો માટે કચ્છની પસંદગી કરી હતી. તેઓ બિહારમાં પણ ફિલ્મસિટી ઉભું કરી રહ્યાં છે. તેમણે અલિયા બેટમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી.
6.ફિલ્મ નિર્માતા ઇંદર કુમાર અને તેમના પાર્ટનર અશોક ઠાકરિયાએ વડોદરામાં ફિલ્મ શૂટીંગ માટે સ્ટુડિયો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું કહીને ગયા હતા.
7.વડોદરામાં સાગર ગ્રુપ 35 એકર જમીનમાં ફિલ્મ એકેડેમી તેમજ સ્ટુડિયો બનાવવાના હતા. આ ગ્રુપે જમીન પણ લઇ લીધી છે.
8.ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ મોટ્ટ મેકડોનાલ્ડ નર્મદા નદીના મુખપ્રદેશના લોકેશનમાં અલીયાબેટ વિસ્તારમાં 789 કરોડના ખર્ચે ગોલ્ફકોર્સ અને ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી.
9.આ પ્રોજેક્ટમાં ફિલ્મસ્ટાર અજય દેવગણનો સોલાર પ્રોજેક્ટ પણ સામેલ થાય છે કે જેમણે ઉત્તર ગુજરાતના ચારણકા સોલાર પાર્કમાં પસંદ કર્યો હતો, આજે તેમનો આ પ્રોજેક્ટ ખોરંભે પડેલો છે.
ગુજરાતમાં 13 વર્ષ સુધી શાસન કરનારા નરેન્દ્ર મોદીને ફિલ્મ જગતની મહાન હસ્તિઓ મળી ચૂકી છે અને કોઇને કોઇ પ્રોજેક્ટ ઉભો કરવાની જાહેરાતો કરી છે પરંતુ હાલ આ ફિલ્મ હસ્તીઓ તેમના પ્રોજેક્ટના ફોલોઅપમાં જોવા મળતી નથી, બીજી તરફ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી પણ પ્રોપરલી પ્રોજેક્ટ મોનિટરીંગ થઇ શકતું નથી.
નરેન્દ્ર મોદીને મળી ચૂકેલી ફિલ્મ હસ્તીઓ- અમિતાભ બચ્ચન, સંજય દત્ત, અજય દેવગણ, અનુપમ ખેર, અક્ષયકુમાર, પરેશ રાવલ, જેકી શ્રોફ, રવિના ટંડન, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, હેમા માલિની, ધર્મેન્દ્ર, પ્રિતી ઝિંટા, મોડેલ સર્લિન ચોપરા, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જ્હોન અબ્રાહમ
22 સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન ક્યાં-ગુજરાતમાં 22 સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન બનવાના હતા પરંતુ હાલ તે પ્રોજેક્ટમાં કોઇ પ્રગતિ સાધી શકાઇ નથી. આ ઝોન બનવાના હતા તે જગ્યાઓમાં- ઉમરગામ, સાપુતારા, નળ સરોવર, અલિયા બેટ, સરકેશ્વર, માધવુપરા, શિવરાજપુર, માંડવી, કપરાડા, સુવાલી, ઓખામઢી, તિથલ, નારગોલ, માલિયા, મિયાણી, ઓડેદર, પિંગલેશ્વર, ગોપનાથ, ચાંચ, ભાવિની, ધોધાકુડા અને દેવાંડીનો સમાવેશ થાય છે.