વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સાયકલિંગ રેસ ટૂર ડે ફ્રાન્સમાં કોલંબિયાનો ઇગન બરનલ ચેમ્પિયન બનવાની સાથે જ ઍક નવો ઇતિહાસ રચાયો હતો. બરનલ આ પ્રતિષ્ઠત ટાઇટલ જીતનારો પહેલો કોલંબિયન સાયકલિસ્ટ બનવાની સાથે જ છેલ્લા 110 વર્ષના ઇતિહાસમાં આ ટાઇટલ જીતનારો તે સૌથી યુવા રાઇડર પણ બની ગયો છે. બરનલની વય હાલમાં 22 વર્ષ અને 196દિવસ છે. તેના પહેલા લક્ઝમબર્ગના ફ્રાન્સિયોસ ફેબરે 1909માં 22 વર્ષ 187 દિવસની વયે ટૂર ડે ફ્રાન્સ રેસ જીતી હતી. મતલબ કે 110 વર્ષના ઇતિહાસમાં બનરલ સૌથી યુવા રાઇડર બની ગયો છે.
બરનલે આ રેસ 82 કલાક અને 57 મિનીટમાં પુરી કરી હતી. જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન બ્રિટનનો જેરાન્ટ થોમસ બીજા ક્રમે અને નેધરલેન્ડનો સ્ટીવન ક્રુઝવિસ્ક ત્રીજા સ્થાને રહ્ના હતો. થોમસ બરનલ કરતાં માત્ર 1 મિનીટ અને 11 સેકન્ડ પાછળ રહ્યો હતો. આ રેસ જીત્યા પછી બનરલે કહ્યું હતું કે તેના માટે આ અવિશ્વષનીય છે. મને નથી ખબર કે શું કહેવાનું છે. મેં આ ટૂર જીતી લીધી છે છતાં મને તેનો વિશ્વાસ હજુ થતો નથી.
કોલંબિયા માટે આ પહેલું ટૂર ડે ફ્રાન્સ ટાઇટલ રહ્યું છે. બરનલે કહ્યું હતું કે આ પહેલા અમારા દેશના ઘણાં રાઇડરે આ ટૂર જીતવાના પ્રયાસ કર્યા હતા. અમારા દેશના ઘણા મહાન રાયડર જે જીતી ન શક્યા તે જીતનારો હું પહેલો રાઇડર બન્યો છું. બરનોલની ટીમ ઇનિયોસ 8 વર્ષમાં 7મીવાર ચેમ્પિયન બની છે. ટીમ વતી પહેલા બ્રેન્ડલે વિગ્નિસ (2012, ક્રિસ ફ્રુમે (2013, 2015, 2016 અને 2017) તેમજ થોમસ (2018) આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતી ચુક્યા છે.
આ ટૂરમા મોટાભાગના સમય સુધી યલો જર્સી પોતાની પાસે રાખનારો ફ્રાન્સનો જુલિયન અલફિલિપ પાંચમા સ્થાને રહ્યો હતો. બરનલે 19માં સ્ટેજમાં તેને પાછળ છોડીને યલો જર્સી મેળવી લીધી હતી. અલફિલિપ 14 દિવસ સુધી આ રેસમાં પહેલા સ્થાને રહ્યો હતો. ઍવું લાગતું હતું કે 1985 પછી તે ચેમ્પિયન થનારો ફ્રાન્સનો પહેલો રાઇડર બનશે. જો કે અંતે તે પાંચમા સ્થાને રહ્યો હતો.