ભારતની અનુભવી બોક્સર એલ સરિતા દેવીએ 60 કિગ્રાની કેટેગરીમાં ગુરૂવારે વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટેની ભારતની 10 સભ્યોની મજબૂત બોક્સિંગ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે 5 ભારતીય મહિલા બોક્સર આ ટૂર્નામેન્ટમાં પદાર્પણ કરશે. સરિતા દેવી 10 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ મેળવવા માટે પ્રયાસ કરશે.
તેના સિવાય ઇન્ડિયા ઓપનની ગોલ્ડ મેડલિસ્ટ નીરજ (57 કિગ્રા) અને જમુના બોરો (54 કિગ્રા)એ પણ ટીમમાં સ્થાન મેળવી લીધું છે. આ ટીમની આગેવાની 6 વારની વર્લ્ડ ચેમ્પિયન એમ સી મેરી કોમ (51 કિગ્રા) કરશે. મેરી કોમને ગત મહિનાના તેના પ્રદર્શનને આધારે કોઇ પણ ટ્રાયલ વિના કરવામાં આવી છે. મંજૂ રાની (48 કિગ્રા), નીરજ, જમુના બોરો, મંજૂ બોમ્બોરિયા (64 કિગ્રા) અને નન્દિની (81 કિગ્રા) પહેલીવાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
નિખત ઝરીને બુધવારે મેરી કોમની પસંદગી ટ્રાયલ વગર કરવા સામે ટીકા કરી હતી અને કહ્યું હતું કે મને મંગળવારે ટ્રાયલ બાઉટમાં લડવાથી રોકવામાં આવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીન બોરગોહેનને પણ ટ્રાયલ વગર જ પસંદ કરવામાં આવી હતી. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ 3થી 13 ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.