ગાંધીનગર- ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સાથે કેન્દ્રની સૂચના પ્રમાણે રાજ્યના પાંચ શહેરોની બે લાખ જેટલી વસતી પર પોલીસ અને આરોગ્ય ટીમોની નજર છે. આ લોકો હાઇરીસ્ક ઝોનમાં આવી ગયા છે. હાઇરીસ્ક ઝોનમાં સુરતના સૌથી વધુ 98000 લોકો છે. બીજાક્રમે 57500 સાથે ભાવનગર આવે છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે પાંચ શહેરોના વિસ્તારમાં જોવા મળેલા પોઝિટીવ દર્દીઓના કલસ્ટરના પગલે સરકારે કલસ્ટર કન્ટેન્મેન્ટની કામગીરી શરૂ કરી છે. આ વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે. એ ઉપરાંત વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરી હાઇરીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેમને નિદાન અને સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદમાં 14 કલસ્ટર છે જેમાં 34 ટીમો કાર્યરત છે. શહેરની કુલ 7900 વસતીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ટીમોના સભ્યોની સંખ્યા 91 રાખવામાં આવી છે. સુરતમાં બે કલસ્ટર છે અને 71ના સ્ટાફ સાથે કુલ 28 ટીમો કાર્યરત છે. સુરતમાં 98000ની વસતીનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
ભાવનગરમાં ત્રણ વિસ્તારો છે જેમાં 58000ની વસતી છે. આ શહેરમાં 80ના સ્ટાફ સાથે કુલ 35 ટીમો બનાવવામાં આવી છે. વડોદરામાં 11300ની વસતીમાં બે કલસ્ટર બનાવી 28 સભ્યોની 12 ટીમો કામ કરી રહી છે જ્યારે રાજકોટમાં સાત કલસ્ટરમાં 7100ની વસતી માટે 59 ટીમો બનાવી 134 સભ્યો સર્વે કરી રહ્યાં છે. આખા રાજ્યમાં કુલ 28 કલસ્ટરમાં 168 ટીમો સમગ્ર વસતીનું ચેકીંગ કરી રહી છે. આ ટીમોમાં 31 એમઓ, 44 સુપરવાઇઝર અને 336 પેરા મેડીકલ મળી કુલ 409 સભ્યો જોડાયેલા છે.
ગુજરાતમાં અત્યાર સુધી 14980 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા જે પૈકી 14363 કેસોમાં રિપોર્ટ નેગેટીવ આવ્યો છે જ્યારે 617 પોઝિટીવ દર્દીઓ છે. રાજ્યમાં હજી 13751 લોકો ક્વોરેન્ટાઇન થયેલા છે. રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કેસોની સંખ્યા વધીને 550 થઇ છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.