પહેલી વખત મા બનવાનો અનુભવ જ કંઈ અલગ હોય છે. બધું એટલું નવું નવું અને ખાસ લાગે છે! પણ ઘણી વાતો એવી હોય છે, જેની આપણને ખબર નથી હોતી. સમજ નથી પડતી ડૉક્ટરનું સાંભળીએ કે મમ્મીનું કે સાસુમાનું, પણ આ 10 વાતની તમને જાણ હોવી જોઈએ.
બાળકને પેટની તકલીફ અને ઉપાય –
બાળક એટલું નાનું હોય કે તે નથી કંઈ બોલી શકતું કે નથી કંઈ સમજી શકતું, પણ બાળકોમાં ગૅસની તકલીફ થાય છે. તેના હાથપગને હલાવવા, સાઇકલિંગ કરાવવું, હૂંફાળા ગરમ કપડાથી શેકવાથી આરામ ન મળે તો ડૉક્ટરની મદદ લો. ડૉક્ટર ગૅસ ડ્રોપ કે ગ્રાઇપ વૉટર આપવાનું કહે છે, જેનાથી બાળકને તરત જ આરામ મળે છે.
પાણી પીવું –
આપણે હંમેશાં સાંભળતાં આવ્યાં છીએ કે પાણી ખૂબ પીવું જોઈએ, પણ તમે ખરેખર માનશો કે સ્તનપાન કરાવતી માએ વધુ પાણી પીવું ખૂબ જરૂરી હોય છે. આનાથી સ્તનપાન વધુ સહેલું બને છે.
પબ્લિક ટોઇલેટ્સના હેન્ડિકેપ ટેબલ-
સાંભળવામાં વિચિત્ર લાગે પણ એક મા જ સમજી શકે કે બાળકને કોઈ સાર્વજનિક જગ્યા પર ડાયપર બદલાવવું પડે તો કેટલી મુશ્કેલી પડે છે. ઘણી વખત પબ્લિક ટોઇલેટની સિંક કે જમીન પર સુવડાવીને બાળકનું ડાયપર બદલવું પડે છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખો કે બધા જ પબ્લિક ટોઇલેટમાં દિવ્યાંગો માટે સ્ટોલ કે ટેબલ જેવી જગ્યા હોય છે જ્યાં બાળકને સુવડાવીને તમે ડાયપર બદલી શકો છો.
બાળકનો મૂડ બગડવાનો સમય –
ધીમે ધીમે તમે જાણી જશો કે તમારા બાળકનો સૂવાનો, ખુશ થવાનો કે મૂડ ખરાબ થવાનો એક સમય છે. એ બદલાતો રહે છે, પણ તમને તેની પેટર્ન ઝડપથી સમજાઈ જશે. તેને સમજી લેશો તો એ પ્રમાણે પોતાને તેયાર રાખી શકશો.
ઝટપટ બને એવું ભોજન –
બાળક સાથે મોટા ભાગે ઘરે એકલાં જ રહેતાં હો તો એવું કંઈ પૌષ્ટિક ખાવાનું બનાવવાની રીત શીખી લો જે ઝડપથી બની શકે. ઘણી વખત બાળક એવા જ સમયે રડવા લાગે જ્યારે તમને પણ ભૂખ લાગી હોય. તરત તૈયાર મળે એવી કોઈ ખાવા જેવી ચીજો જેમ કે ફળ, સૂકો મેવો, સૂકો નાસ્તો પણ ઘરમાં રાખો. તમે પોતે યોગ્ય સમયે ખાઈ લો તે પણ ખૂબ જરૂરી છે.
શરીરમાં ફેરફાર –
બાળકને જન્મ આપ્યા પછી તરત જ તમારા શરીરમાં જે ફેરફારો આવશે તે શરૂઆતમાં બહુ વિચિત્ર લાગશે. પણ એનાથી દુખી ન થશો. એ હંમેશાં એવા નથી રહેવાના. થોડા સમય માટે આ ફેરફારોને સ્વીકારી લો, નહીં તો ડિપ્રેશન અનુભવશો. ટોઈલેટ જવાનું પણ પહેલાં જેવું નહીં હોય, પરંતુ ધીમે ધીમે બધું બદલાઈ જશે, વિશ્વાસ રાખો.
સ્તનપાન પીડાદાયક હોઈ શકે છે –
મોટા ભાગે નવી માતાને જણાવવામાં આવે છે કે શરૂઆતમાં સ્તનપાન કરાવવામાં દુખાવો થશે. પરંતુ આ દુખાવો લાંબા સમય સુધી રહી શકે છે. જોકે જેમ જેમ સમય વીતતો જાય છે, તમે યોગ્ય રીતે સ્તનપાન કરાવવા લાગો જેથી દુખાવો નથી થતો.