ગાંધીનગર — “ગુજરાતની જનતા લોકડાઉનનો ભંગ કરે તો તેને સજા મળે છે પરંતુ અધિકારી કે જિલ્લા કલેક્ટર કેન્દ્રના જાહેરનામાને તોડી મરોડીને અમલ કરાવે તો તેને કોઇ સજા નથી.” – આ શબ્દો હારેલા અને થાકેલા એક ઉદ્યોગ સંચાલકના છે. કેન્દ્ર સરકારની જાહેરાત પછી વેપારીઓ અને ઉદ્યોગોને લાગતું હતું કે તેઓ તેમનો બિઝનેસ શરૂ કરી શકશે પરંતુ ગુજરાત સરકારે કોરોના પોઝિટીવના વધતા કેસોના ભયથી કેન્દ્રના જાહેરનામામાં ફેરફારો કર્યા છે.
જિલ્લા અને તાલુકા સ્તરના વેપારી તથા ઔદ્યોગિક સંગઠનોએ જણાવ્યું હતું કે જે-તે જિલ્લાના કલેક્ટરો દ્વારા નિર્ણયો લેવાય છે તેમાં કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન થતું નથી અને તેના કારણે વેપાર-ઉદ્યોગને મોટું નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના પ્રમુખ દુર્ગેશ બૂચે જણાવ્યું હતું કે, નવી ગાઇડલાઇન્સ બાદ ધીમે ધીમે રાજ્યમાં વધારે યુનિટો ચાલુ થતા જશે પરંતુ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકામાં જે ભાષાનો ઉપયોગ થાય છે તેનું અર્થઘટન ફરજ પરના અધિકારીઓ અલગ રીતે કરતા હોય તેવું બની રહ્યું છે અને તેથી ગૂંચવણ સર્જાય છે.
તેમણે જણાવ્યું હતું કે અમે સરકારને રજૂઆત કરીશું કે રાજ્ય સરકાર ઝોન દીઠ સરળ ભાષામાં સૂચનો જાહેર કરે અને તેને સંલગ્ન ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ જાહેર કરે અને તેમાં અમલીકરણમાં આવતા પ્રશ્નોના જવાબો આપીને ગૂંચવણોનો અંત લાવે.
ઉપરાંત અમે સરકારમાં એવી રજૂઆત પણ કરી રહ્યા છીએ કે રેડ ઝોનના હોટસ્પોટ ક્લસ્ટર સિવાયના ઓરેન્જ ઝોન વિસ્તારોમાં અલગ-અલગ વસ્તુઓની દુકાનો અલગ-અલગ સમયે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તો તમામ વેપાર થઇ શકે અને બજારોમાં ભીડ પણ ના થાય.
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં પગારના દિવસો પણ આવી ગયા છે અને કેટલાય નાના યુનિટો કર્મચારીઓના પગાર સીધા ખાતામાં જમા કરતા હોતા નથી તેથી કર્મચારીઓએ પગાર લેવા માટે ફેક્ટરી કે ઓફિસે જવું અનિવાર્ય છે પરંતુ તેમના આઇ-કાર્ડ માન્ય રાખવામાં આવતા નથી તેથી તેઓ પગાર લેવા માટે પણ જઇ શકતા નથી. લોકડાઉન-3ની અમલવારીમાં ગુજરાત સરકાર અને તેનું વહીવટી તંત્ર ઉદ્યોગોને શરૂ કરવામાં ઉણું ઉતર્યું છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.