ગાંધીનગર ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ગંભીર બની છે. પોઝિટીવ કેસો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે જ્યારે રિકવરીના આંકડા ઘટતા જાય છે. ભારતમાં કેરાલા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રિકવરી 70.48 ટકા જોવા મળી છે જ્યારે ગુજરાતમાં રિકવરી 7.44 ટકા છે.
ગુજરાત એ સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતું બીજાનંબરનું રાજ્ય બન્યું છે. દેશના હરિયાણા રાજ્યમાં 59.85 ટકા, તામિલનાડુમાં 40.64 ટકા, ઓરિસ્સામાં 38.55 ટકા, કર્ણાટકમાં 30.68 ટકા અને બિહારમાં 29.79 ટકા જોવા મળી છે. પોઝિટીવ દર્દીઓમાં સૌથી ઓછી રિકવરીમાં ગુજરાત પછી મધ્યપ્રદેશનો નંબર આવે છે. આ રાજ્યમાં 9.58 ટકાની રિકવરી જોવા મળી છે.
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5649 કેસો છે અને 269 લોકોના મોત થયાં છે તેમ છતાં 789 દર્દીઓ રિકવર થયાં છે. ગુજરાતમાં 2407 કેસો પૈકી 103ના મોત છે અને 179 દર્દીઓ રિકવર થયાં છે. દિલ્હીમાં 2248 કેસો પૈકી માત્ર 48ના મોત છે અને 724 દર્દીઓ રિકવર થયાં છે.
બીજી તરફ કેરલમાં કુલ 437 કેસો પૈકી માત્ર બે લોકોના મોત છે જ્યારે 308 દર્દીઓ રિકવર થયાં છે. ગુજરાત કરતાં રાજસ્થાન અને તામિલનાડુમાં સ્થિતિ સારી છે. રાજસ્થાનના 1868 કેસો પૈકી માત્ર 26ના મોત છે અને 97 રિકવરી છે. તામિલનાડુમાં 1629 કેસો પૈકી 18નાં મોત છે અને 662 રિકવરી છે. ઉત્તરપ્રદેશમાં કુલ 1449 કેસો પૈકી 21 મોત છે અને 173 રિકવરી છે.
ગુજરાતમાં સૌથી વધુ નાજૂક સ્થિતિ અમદાવાદની છે. છેલ્લા એક સપ્તાહથી કેસો વધી રહ્યાં હોવાથી ગુજરાતની બદનામી રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરવાનું વિચાર્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ આજે જાહેર કર્યું હતું કે કોરોનાની સ્થિતિના આંકડા હવે 12 કલાકે નહીં પરંતુ 24 કલાકે સાંજના સમયે મળશે.
મહત્વની બાબત એવી છે કે દિલ્હીમાં એક જ દિવસમાં 180 દર્દીઓ રિકવર થયાં છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 139 દર્દીઓ સાજા થયાં છે. 1000થી વધુ પોઝિટીવ કેસો ધરાવતા રાજ્યો પૈકી ગુજરાત એવું રાજ્ય છે કે રિકવરીના કેસોની સંખ્યા સૌથી ઓછી છે, જ્યારે મૃત્યુઆંક બીજા રાજ્યોની સરખામણીએ વધુ જોવા મળ્યો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટીવ કેસોની સંખ્યા 1409 નોંધાઇ છે. દેશમાં કુલ કેસો વધીને 21393 થયાં છે જે પૈકી 4257 કેસમાં રિકવરી જોવા મળી છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 681 લોકોના મોત થયાં છે. દેશમાં 26 ટકા કેસો એકલા મહારાષ્ટ્રમાં છે. દેશમાં કુલ પાંચ લાખ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.