દેશના પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિહંના નામની ભલામણ કરતી પંજાબ સરકારની અરજી રમત મંત્રાલય દ્વારા નકારી કાઢવામાં આવી છે. આ ઉપરાંત દેશની સ્ટાર સ્પ્રિન્ટર દૂતી ચંદનના નામની આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી નથી. તેના સિવાય એશિયન ગેમ્સ ચેમ્પિયન દોડવીર મનજીત સિંહને પણ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો નથી.
રમત મંત્રાલય એ એથ્લીટોના નામની યાદી બનાવવામાં વ્યસ્ત છે, જેમના નામ ટૂંકમાં જ બનનારી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ સમિતિને મોકલવામાં આવશે. તે પછી પસંદ કરાયેલા નામોને કેન્દ્રિય રમત મંત્રી કિરણ રિજિજૂના અંતિમ નિર્ણય માટે તેમની પાસે મોકલવામાં આવશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા જસપ્રીત બુમરાહ, મહંમદ શમી, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવના નામોની ભલામણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે. આ વર્ષે ખેલ રત્ન માટે બીસીસીઆઇ તરફથી કોઇ નામ મોકલવામાં આવ્યું નથી.
હરભજનના નામની ભલામણ પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી હતી પણ આ અરજી મંત્રાલયને 25 જૂને મળી હતી. તેના માટે અરજી મોકલવાની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી. દુતી ચંદના કિસ્સામાં સમસ્યા એ થઇ હતી કે એક રમત ફેડરેશન માત્ર 3 નામ મોકલાવી શકે છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એએફઆઇ)એ દુતી અને મનજીત ઉપરાંત શોટપુટર તેજિન્દર પાલ સિંહ તૂર, હેપ્ટાથ્લોન એથ્લેટ સ્વપ્ના બર્મન અને ટ્રિપલ જમ્પર અરવિંદર સિંહના નામ પણ મોકલ્યા છે.
નામ મોકલતી વખતે એએફઆઇએ રેન્કિંગ ઓર્ડર નક્કી કર્યા હતા. જેમાં મનજીત ચોથા અને દુતી પાંચમા નંબરે હતા. દુતીએ એશિયાડમાં મહિલાઓની 100 મીટર અને 200 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો પણ તેણે કોમનવેલ્થમાં ભાગ લીધો ન હોવાને કારણે તેના રેન્કિંગ ઓર્ડર પર અસર પડી છે.