મહિલા ગર્ભવતી બને કે તરત પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી તે અને તેનું આવનારું બાળક તંદુરસ્ત રહે. આમ તો ગર્ભાવસ્થામાં મહિલાઓમાં કેટલાય પ્રકારના ફેરફારો જોવા મળે છે, પણ સૌથી મોટો ફેરફાર હોય તો એ છે વધતું વજન, જે આવા દિવસોમાં સામાન્ય હોય છે. આ દિવસો દરમિયાન મહિલાઓમાં થોડું વજન વધે છે, પરંતુ ગર્ભાવસ્થામાં કેટલું વજન વધે એ સલામત છે. નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ માસ દરમિયાન 1 કિલો સુધી વજન વધે છે. એ પછી દર 15 દિવસમાં લગભગ 1 કિલો વજન વધે છે. આ રીતે સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન 10થી 12 કિલો વજન વધે તો એ સલામત છે.
ખરેખર તો ભારતમાં જન્મેલા બાળકનું સરેરાશ વજન અઢીથી ત્રણ કિલો હોય છે, આથી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનું વજન 10થી 12 કિલો વધવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ખાન-પાનનો ખાસ ખ્યાલ રાખીએ તો વજન વધવાનો ફાયદો બાળકને મળશે. મહિલાનું પોતાનું વજન નહીં વધે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લો, જેમાં દૂધ, પનીર, સોયાબીન, ચિકન, ફિશ વગેરેનું સેવન કરવું. પ્રોટીનવાળો ખોરાક ખાવાથી વજન બહુ નહીં વધે, જેથી પ્રસૂતિ પછી વજન ઘટાડવામાં તકલીફ નહીં પડે. એક વખત ખાવાને બદલે દર બે કલાકે ફણગાવેલા કઠોળ, સોયાબીનની બનેલી ચીજો ખાવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તળેલો અને વધારેપડતો ગળપણવાળો આહાર લેવાનું શક્ય એટલું ટાળવું. વધુપડતો ગળ્યો કે તળેલો ખોરાક લેવાથી વજન તો વધશે, પણ બાળક નબળું રહી જશે. વળી, પ્રસૂતિ પછી વજન ઘટાડવામાં પણ મુશ્કેલી પડશે.