મા બનવું એ દરેક સ્ત્રી માટે એક સુખદ અનુભવ હોય છે, પણ આજના સમયમાં મહત્ત્વાકાંક્ષી મહિલાઓ લગ્ન પહેલાં પગભર થવા માગે છે, પરંતુ કારકિર્દી માટે લગ્ન અને પછી ગર્ભ ધારણ કરવામાં મોડું થાય છે આરોગ્ય માટે સારી બાબત નથી. ખરેખર 25થી 30 વર્ષ વચ્ચેની ઉંમરમાં ગર્ભ ધારણ કરવો સૌથી શ્રેષ્ઠ છે? 30 વર્ષની ઉંમર પછી ગર્ભાવસ્થામાં ખૂબ જોખમ રહેલું છે? 30 વર્ષ પછી ગર્ભ ધારણ કરવાની યોજના કરો છો તો એમાં શું જોખમ હોઈ શકે છે અને તેમાંથી કઈ રીતે બચી શકાય છે? મહિલાઓ માટે ગર્ભધારણ કરવાની યોગ્ય ઉંમર કઈ? નિષ્ણાતોના મતે 25થી 30 વર્ષ વચ્ચેની ઉંમર સૌથી શ્રેષ્ઠ છે. ખરેખર તો આ ઉંમરમાં મહિલાઓની પ્રજનનક્ષમતા સારી હોય છે અને તેમનાં અંડ પણ તંદુરસ્ત હોય છે. આ સિવાય આ ઉંમરમાં મહિલાઓના શરીરનાં બીજાં તંત્રો પણ સ્વસ્થ અને યુવાન હોય છે. આવામાં ગર્ભ ધારણ કરવો અને તેને 9 મહિના સુધી યોગ્ય રીતે સંભાળવો તેમના શરીર માટે સહેલું હોય છે. જો બાળક 30ની ઉંમર પહેલાં જન્મે તો મા અને બાળક બંનેની તબિયત માટે સારું છે. જોકે 30 વર્ષ પછી પણ કુદરતી રીતે ગર્ભધારણ કરી શકાય છે અને એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકાય છે, પણ જેમ જેમ ઉંમર વધે અને ખાસ કરીને 35 વર્ષ પછી મહિલાઓમાં ડિંબ અથવા અંડની ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે. 30 વર્ષ પછી પહેલી વખત મા બનનારી મહિલાઓ વધુપડતું વજન વધે નહીં એનું ધ્યાન રાખે. ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો, કાર્બોહાઇડ્રેટ વધુ ન લો. કામકાજની વચ્ચે 6થી 8 કલાકની ઊંઘ જરૂર લો. સમયાંતરે ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો.
